અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ISIS સાથે સંકળાયેલા આરોપીઓમાંથી એક અહેમદ સૈયદ ઉપર અન્ય ત્રણ કેદીઓએ મંગળવારની વહેલી સવારે મારપીટ કરી હતી. અહેમદ સૈયદને આંખ સહિત શરીરના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. કેદીઓ વચ્ચે બોલાચાલી વધતાં ઝઘડામાં ફેરવાઈ અને ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.
જેલમાંથી મળેલી માહિતી મુજબ ઝઘડો સવારે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન થયો હતો. અલગ અલગ ગુનાઓમાં બંધ રહેલા કાચા કામના કેદી અનિલ ખુમાણ, શિવમ વર્મા અને અંકિતે આ હુમલો કર્યો હતો. અનિલ અને શિવમ પર હત્યાના કેસ ચાલી રહ્યા છે જ્યારે અંકિત ઉપર પોક્સો ગુનો નોંધાયેલ છે. ત્રણેય શખ્સો સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે.
હિંસાગ્રસ્ત કેદી અહેમદ મોહુદ્દીન અબ્દુલ કાદર જીલાની સૈયદ ઉંમર 40 વર્ષએ જણાવ્યું છે કે કોઈ પૂર્વ ઝઘડો વગર ત્રણ શખ્સો નજીક આવ્યા અને ફેટા જેવા સાધનથી માર માર્યો. મારના ઘા આંખના ભાગે લાગતાં તેને ઈજા પહોંચી. ઘટના અંગે જેલ અધિકારીઓએ અન્ય કેદીઓની પૂછપરછ પણ શરૂ કરી છે જેથી હુમલાનું ચોક્કસ કારણ બહાર આવી શકે.
ઝોન 2 ના ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું છે કે જેલમાં રહેતા ત્રણ ISIS આરોપીઓ એક જ બેરેકમાં રાખવામાં આવ્યા છે. ઝઘડો દરમિયાન બાકી બે આતંકી પણ નજીક હતા. અનિલ, શિવમ અને અંકિત નામના કેદીઓએ અહેમદ પર હુમલો કર્યો હતો, જેના કારણે ઇજા થઈ છે. સીસીટીવી ફૂટેજ તથા કેદીઓના નિવેદન પરથી વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાત ATS એ 9 November 2025ના રોજ ગાંધીનગર અને બનાસકાંઠા વિસ્તારમાંથી ત્રણ ISIS જોડાયેલા યુવકોને ઝડપી પાડ્યા હતાં. તેમામાંથી ડો. અહેમદ સૈયદ મૂળ હૈદરાબાદનો નિવાસી છે અને ચીનમાં અભ્યાસ કરી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ખુલ્યું છે કે તે પાકિસ્તાનના સંપર્કમાં રહી ઝેરી પદાર્થ અને હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ જ કેસમાં આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના બે યુવકો પણ ઝડપાયા હતા.
ATS તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના હનુમાગઢ વિસ્તારમાંથી મેળવાયેલા 3 ફોરેન બનાવટના પિસ્ટલ, 30 લાઈવ કાર્તૂસ તથા 4 લિટર કાસ્ટર ઓઈલ કલોલ નજીક છુપાવવામાં આવ્યા હતા. અહેમદ સૈયદ તે સામાન પરત હૈદરાબાદ લઈ જવા જતો હતો, તે પહેલાં જ તેને પકડી લેવાયો હતો. ત્રણેય આરોપીઓ ISKP (Islamic State Khorasan Province) થી પ્રભાવિત હોવાનું સુરક્ષા એજન્સીઓએ નોંધ્યું છે.



















