સુરત એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. સુરત સિટી DCB, કસ્ટમ્સ અને CISF દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 મારફતે બેંગકોકથી આવેલા મુસાફર જાફર અકબર ખાનને શંકાસ્પદ જણાતા અટકાવાયો હતો અને તપાસ હાથ ધરી હતી.
₹1.41 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
મુસાફર સીટ નંબર 27Cમાં સફર કરી રહ્યો હતો. તેમની પાસે રહેલા સામાનની સઘન તપાસ કરતાં સુરક્ષા તંત્રને 4.055 કિલોગ્રામ હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજોનાં 8 પેકેટ મળી આવ્યા. આ પ્રતિબંધિત મટીરિયલની બજાર કિંમત ₹1.41 કરોડથી વધુ હોવાનું કસ્ટમ્સ વિભાગે અંદાજ્યું છે.
આરોપીની ધરપકડ કરી
ગાંજો મળી આવતાં CISF અને પોલીસે તરત જ તેની ધરપકડ કરી તેને કસ્ટડીમાં લઈ લીધો. પ્રાથમિક પૂછપરછ બાદ આરોપીને અગત્યની માહિતી મેળવવા તપાસ એજન્સીઓને સોપવામાં આવ્યો છે. હાઇડ્રોપોનિક વીડ સામાન્ય ગાંજાથી વધુ કિંમતી અને શક્તિશાળી હોવાથી આ પ્રકારનો જથ્થો આંતરરાષ્ટ્રીય સ્તરે તસ્કરી માટે ઉપયોગમાં લેવાતો હોય છે.



















