Kutch Protest : કચ્છ જિલ્લામાં જમીન મહેસુલ સંબંધિત પ્રશ્નો વધતા ખેડૂતોમાં ભારે અસંતોષ છે. આ મુદ્દાને લઈ ભુજમાં DILR (જિલ્લા જમીન રેકોર્ડ) કચેરી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો.
કચ્છમાં જમીન મહેસુલના પ્રશ્નોને લઈને વિરોધ
મંચના આગેવાનો અને ખેડૂતોનું કહેવું છે કે, ખેડૂતોના યોગ્ય પ્રશ્નો અને અરજીઓનું નિરાકરણ સમયસર થતું નથી. મહેસુલ સંબંધિત કામકાજ માટે ખેડૂતોને કચેરીમાં વારંવાર ચક્કર મારવા પડે છે અને ઘણી વખત ધક્કા ખાવા પડે છે. રિસર્વેની કામગીરીમાં વાંધા આવવાના છતાં DILR કચેરી તરફથી કોઈ અસરકારક સુધારો કરવામાં આવ્યો નથી. જિલ્લા જમીન મહેસુલ કચેરીનું કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને જરૂરી દસ્તાવેજો અને માપણી સંબંધિત કામગીરી માટે લાંબી રાહ જોવી પડે છે.
'કંપની સંબંધિત કામકાજને પ્રાથમિકતા મળે પણ ખેડૂતો...'
વિરોધ કરી રહેલા ખેડૂતોનો આક્ષેપ છે કે કચેરીમાં કંપની સંબંધિત કામકાજને પ્રાથમિકતા મળે છે, જ્યારે ખેડૂતોના કામ અવગણવામાં આવે છે. આ તમામ મુદ્દાઓને લઈ દલિત અધિકાર મંચે ખેડૂતોના હિતમાં ધરણા યોજીને સત્તાધિકારીઓ સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો.



















