Tigers in Gujara : ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં વાઘની હાજરી હતી, પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતી લૂપ્ત થઈ, પરંતુ આપણા માટે એ આનંદની વાત છે કે ફરી એકવાર ગુજરાતને વાઘે પોતાનું નવુ ઘર બનાવ્યુ છે. અત્યારે જે વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે તે, સૌ પ્રથમ તા. 22/02/2025 ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો.
આ અંગે માહિતી આપતા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સિંહ ધરતી એવુ આપણું ગુજરાત હવે વાઘનું નવુ ઘર બન્યું છે. તા.23/02/2025ની સવારે પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જના સ્ટાફ દ્વારા વન્યજીવોની હિલચાલના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન (પગ માર્ક્સ) જોવા મળ્યા હતા. આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી, આ વિસ્તારમાં લગાવેલા કેમેરા ટ્રેપના ચિત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને તા.22/02/2025ના રોજ રાત્રિના આશરે 2:40 વાગ્યે વાઘની તસવીર કેદ થયેલી જોવા મળેલ હતી. આથી સવારે જોવા મળેલા મોટા કદના પગના નિશાન વાઘના જ હોવાની પુષ્ટિ થયેલ.
'વન વિભાગ દ્વારા વાઘની હાજરી નોંધાઈ ત્યારથી નિરીક્ષણ શરૂ કર્યું'
અર્જુનભાઈ મોઢવાડિયા વધુમાં ઉમેર્યુ હતું કે, 'વન વિભાગ દ્વારા વાઘની હાજરી નોંધાઈ ત્યારથી આ વિસ્તારનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ પાણીની ઉપલબ્ધતા, સુરક્ષા, આગ નિવારણ અને શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા જેવા જરૂરી પગલાં લેવામાં આવેલ છે. વિસ્તારમાં કેમેરા ટ્રેપની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જંગલી ડુક્કર, નીલગાય અને વાનરોની હાજરી છે અને જરૂર પડ્યે શિકારી પ્રાણીઓની સંખ્યામાં વધારો કરવામાં આવેલ છે. તે ઉપરાંત ચોમાસા દરમિયાન સાબર અને ચિતલ પણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ છે. જેમાં હાલમાં પ્રજનન પણ જોવા મળેલ છે. વાઘની હાજરીની પુષ્ટિ કરતી તસવીરો સતત કેમેરા ટ્રેપમાં આવેલ છે. જેનાથી વાઘની હાજરી તેમજ તેઓના આરોગ્ય બાબતે સતત મોનીટરીંગ શક્ય બનેલ છે. ઉપરોક્ત રીતે વાઘ રતનમહાલ વિસ્તારમાં સ્થાયી થયેલ જણાય છે.
'ગુજરાત માટે આ એક ગૌરવશાળી ક્ષણ છે'
અર્જુનભાઈ મોઢવાડિયા વધુમાં ઉમેર્યુ હતું કે, 'ગુજરાત માટે આ એક ગૌરવશાળી ક્ષણ છે, હવે ગુજરાત ભારતનું એકમાત્ર એવુ રાજ્ય બન્યુ છે, જ્યાં મોટી બિલાડીની ચારેય પ્રમુખ પ્રજાતિઓ સિંહ, વાઘ, ચિંતો અને દિપડાની એક સાથે હાજરી જોવા મળે છે. નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરવામાં હાજધરવામાં આવેલ વન સંરક્ષણના કાર્યક્રમોનું આ સુખદ પરિણામ છે. ગુજરાત સરકાર નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરીટીને અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વાઘનું સુરક્ષિત અને સ્થાયી ઘર સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.



















