Amirgarh Nilgai Hunting : અમીરગઢના જંગલ વિસ્તારમાં વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે 16 કલાકની સતત કામગીરી બાદ એક શિકારી ગેંગને ઝડપી પાડી છે. ગેંગના સભ્યો નીલગાયનો શિકાર કરીને તેનું માંસ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી રહ્યા હતા, ત્યારે ટીમ ત્રાટકતા જ તેમને રંગેહાથ ઝડપી લેવાયા હતા.
જંગલની અંદર બંદૂકના ધડાકાના અવાજ સંભળાયો અને....
પ્રારંભિક માહિતી મુજબ, વન્યજીવ રેન્જ ઇકબાલગઢના કપાસિયા રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો. પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને જંગલની અંદર બંદૂકના ધડાકાના અવાજ સંભળાયા. બાદમાં કર્મચારીઓ તે દિશામાં આગળ વધ્યા અને તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.
સતત 16 કલાક સુધી ચાલ્યું વન વિભાગનું ઓપરેશન
વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે તરત જ જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે સતત 16 કલાક સુધી ચાલ્યું. આખરે ઓપરેશન દરમિયાન 10 શિકારીઓને ઝડપી લેવામાં આવ્યા, જ્યારે 4 શખ્સ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા.
નીલગાયનો શિકાર કરીને માસ થેલીઓમાં ભરી રહ્યાં હતા
ઘટના સ્થળેથી પાંચ બંદૂક સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે શિકારી ગેંગ નીલગાયનો શિકાર કરીને તેનું માસ થેલીઓમાં ભરી રહી હતી. જંગલ પ્રાણીઓના ગેરકાયદેસર શિકારને લઈને વન વિભાગ હવે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને ભાગેડુ આરોપીઓની પણ શોધ હાથ ધરી છે.



















