Rajkot Farmers: રાજકોટ જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ સહાય મેળવવા માટે અસરગ્રસ્ત ખેડૂતોને એક સહાય ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ અંગે ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે જિલ્લાના અમુક ગામના ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસેથી અમુક રકમ વસૂલવામાં આવતી હતી. આ ફોર્મ ભરવા બદલ અરજદાર ખેડૂતો પાસેથી રૂપિયા લેવાતા હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળી હતી. આ ફરિયાદોને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક સ્પષ્ટતા કરી છે.
રાજ્ય સરકારની સ્પષ્ટતા અને સૂચનાઓ
રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈપણ રૂપિયા ચુકવવાના હોતા નથી. આ મામલે વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અરજી માટે કોઈ ચાર્જ લેવાનો નથી. આ અંગે રાજ્ય સરકારે ખેડૂતોને વિનંતી કરી છે કે ફોર્મ ભરવા માટે જો કોઈ વ્યક્તિ કે એજન્સી પૈસાની માંગણી કરે, તો તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવી.
એક મીડિયા સાથે વાત કરતા વીસીએ જણાવ્યું હતું, રાજકોટના મજેઠી ગામમાં 350થી વધારે ફોર્મ ભરવાના છે. પરંતુ સર્વર સતત હાલતુ ન હોવાથી અમો આખો દિવસ ફોર્મ ભરી આખી રાત કામ કરીને ખેડૂતોના ફોર્મ ભરીએ છીએ અને પંદર દિવસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી કરવાની હોય પરંતુ આ શક્ય નથી. અરજી ફોર્મના 100 રૂપિયા લઈએ છીએ. અમને સરકાર દ્વારા 12 રૂપિયાની વાત કરવામાં આવી છે પરંતુ હજુ આગળના ચાર વર્ષના રૂપિયા વિજબીલના બાકી છે, કમિશનના એ પણ હજુ સુધી આવ્યા નથી અને અમારે અહીં બીજા ઓપરેટરને બેસાડવા પડે છે તેથી એમને પણ રૂપિયા આપવા પડે છે.



















