અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના તબીબોએ સતત 11 કલાક અંગો માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં કાર્યરત રહીને 11 લોકોને નવજીવન આપ્યું છે. કહેવાય છે ને કે ,એક અને એક બે જ થાય પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો એ એક અને એક મળીને બે નહીં પરંતુ 11 સાબિત કરી બતાવ્યું છે.!
સિવિલ માં થયેલ આ બે અંગદાનની વધુ વિગતો જણાવતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે , તારીખ 29 તેમજ 30 ઓગષ્ટના 11 કલાકના સમયગાળામાં બે અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે. જેમાં 11 અંગોનું દાન સિવિલ હોસ્પિટલ અમદાવાદને મળ્યુ છે. પ્રથમ કિસ્સામાં બોરસદ, આણંદ નજીક અંબેરાપુરા ખાતે રહેતા 19 વર્ષના યુવાન વિપુલ વાઘેલાને પોતાના ઘરે થી કામ ઉપર જતા બાઇક ઉપર થી પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી.
પ્રથમ બોરસદ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ કરમસદ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા.પરંતુ સ્થિતિ ગંભીર બનતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 25.08.2025 ના રોજ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે 4 દિવસ ની સઘન સારવાર બાદ તારીખ 29.08.2025 ના રોજ સિવિલના ડોક્ટરોની ટીમને વિપુલભાઇ બ્રેઇન ડેડ હોવાનુ જણાતા સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ ના ડો. જીનેન પંડ્યા દ્વારા વિપુલભાઇના માતા જનકબેન તેમજ હાજર પરીવારજનોને વિપુલભાઇની બ્રેઇન ડેડ પરીસ્થિતિ તેમજ અંગદાન વિશેની સમજ આપી. જનકબેન તેમજ અન્ય પરીવારજનો એ વિપુલભાઇ ના અંગદાન થકી અન્ય પીડિત લોકોનો જીવ બચાવવા સંમતિ આપી હતી. વિપુલભાઇના અંગદાન થી બે કીડની, એક લીવર, હ્રદય તેમજ બે ફેફસા એમ કુલ 6 અંગોનું દાન મળ્યુ હતુ.
બીજા કિસ્સા માં થયેલા ગુપ્ત અંગદાન
પરપ્રાંતના રહેવાસી 39 વર્ષીય યુવાન મહીલા દર્દી સારવાર દરમ્યાન તારીખ 30.08.2025 ના રોજ બ્રેઇન ડેડ જણાતા સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ ના ડો. મોહીત ચંપાવત દ્વારા હાજર પરીવારજનો ને બ્રેઇન ડેડ પરીસ્થિતિ તેમજ અંગદાન વિશે સમજ આપી. સિવિલ માં થયેલા આ 209 માં ગુપ્ત અંગદાનથી બે કીડની અને એક લીવર,હ્રદય તેમજ સ્વાદુપિંડ એમ કુલ પાંચ અંગોનું દાન મળ્યુ હતુ.
માત્ર 11 કલાકના સમયમાં સિવિલ હોસ્પિટલ માં થયેલ આ બે અંગદાનથી મળેલ 11 અંગોમાંથી 4 કીડની અને ૨ લીવર તેમજ સ્વાદુપિંડને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ આ બે અંગદાન થી મળેલ 2 હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની જ યુ.એન.મેહતા હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.વધુ માં અંગદાન થી મળેલ બે ફેફસાને શહેરની કેડી હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ ડૉ. જોષી એ જણાવ્યુ હતુ.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 382- કિડની, 184- લીવર, 68- હ્રદય, 34- ફેફસા , 16- સ્વાદુપિંડ , બે નાના આંતરડા, 22 સ્કીન અને 142 આંખોનું દાન મળ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 692અંગોનું દાન મળેલ છે. જેના થકી 670 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
વધુ મા કુલ 23 સ્કીન ડોનેશન પણ થયા છે.
એક અંગદાન થી માત્ર અંગ ફેઇલ્યોર થવાથી પીડાતુ એક દર્દી જ સ્વસ્થ નથી થતુ પરંતુ તેની સાથે તેનો આખો પરીવાર અસહ્ય વેદના માંથી મુક્ત થઇ નવુ આનંદમય જીવન પામે છે અને તેથી જ અંગદાન એ મહાદાન છે. આપણે સૌ એ અંગદાનની શપથ લઇ અન્યોને પણ આ વિશે સમજ આપવી જોઇએ. જેથી ભવિષ્યમાં કોઇ પણ જીવીત વ્યક્તિ એ પોતાના અંગો અંગ ફેઇલ્યોર થી પીડાતા પોતાના સ્વજનને ન આપવા પડે તેમ ડૉ. જોષી એ વધુમાં ઉમેર્યુ હતુ.