ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી કર્યું છે. દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દુધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું છે.
અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યું
તો બીજી તરફ વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યું છે. જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે.
ઘનશ્યામ પટેલનું વધુ એક વખત ચેરમેન પદ?
ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે, ''15 બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે. હવે પક્ષમાંથી મેન્ડેટ આવી જતા 18મી વખત પણ 12 ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેમ હાલ તો લાગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે. જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યાં છે. હવે ચૂંટણીમાં અરૂણસિંહ રણા કોઈ નવાજુની કરે તો ચેરમેન, વાઇસ ચેરમેન માટે અપસેટ સર્જાઈ શકે છે. બાકી તો પક્ષના મેન્ડેટ પર ચૂંટણીમાં ઘનશ્યામ પટેલનું વધુ એક વખત ચેરમેન પદ પાક્કું લાગી રહ્યું છે.