અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના યુવા આગેવાન અનિલ દાફડા પોતાના 100થી વધુ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાયા છે. આ પક્ષ પલટાનો કાર્યક્રમ AAPના નેતા ડો. જ્વેલ વસરા અને જીતુ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વિધિવત રીતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપના અનેક યુવા કાર્યકરો AAPના ખેસ હેઠળ આવ્યા અને ભાજપની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
AAP નેતાના ભાજપ પ્રહાર
AAPના નેતા ડો. જ્વેલ વસરાએ જણાવ્યું કે, “ભાજપના કાર્યકરો હવે ભાજપની ભવાઈથી ત્રસ્ત થઈ ગયા છે. ભાજપના યુવા કાર્યકરો હવે ગુલામી છોડીને AAPમાં જોડાઈ રહ્યા છે.” તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ હવે જનતાની સાથે સાથે પોતાના કાર્યકર્તાઓનો અવાજ સાંભળવા પણ તૈયાર નથી''.
''ભાજપમાં ઈમાનદાર કાર્યકરોની અવગણના થાય છે''
ડો. વસરાએ વધુમાં કહ્યું કે, “ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરનારા પોતાના મળતીયાઓને જ સાચવે છે, જ્યારે ઈમાનદાર કાર્યકરોની અવગણના થાય છે. હવે એ જ કાર્યકરો પરિવર્તન માટે AAPના બેનર તળે એકઠા થઈ રહ્યા છે.” આ જોડાણ બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો જનસંપર્ક અને સંગઠન બળ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
કોર્પોરેશન ચૂંટણી પહેલા AAP ની તૈયારી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ કરીને એલિસબ્રિજ વિધાનસભામાં આજે ભાજપને મોટો ફટકો પડ્યો હતો કારણ કે એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના યુવા આગેવાન અનિલ દાફડા તેમના 100થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ ડૉ. જ્વેલ વસરા અને શિક્ષણ સેલ પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ભાજપના નેતા અનિલ દાફડા અને 100થી વધુ ભાજપના કાર્યકરો ભાજપના નેતાઓથી ત્રસ્ત થઈને તથા અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.





















