બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રહેતી એક યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, શ્રવણ ચૌધરી નામનો શખ્સે લિવ-ઇન રિલેશનશીપના નામે અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી શ્રવણ ચૌધરી થરાદની રેફરલ હોસ્પિટલ નજીક ગાયત્રી હાડવૈદ નામનું દવાખાનું ચલાવે છે.
લિવ-ઇન રિલેશનશીપના નામે દુષ્કર્મ?
યુવતીના કહેવા મુજબ, શ્રવણ ચૌધરીએ લગ્નનું વચન આપી લિવ-ઇન રિલેશનશીપમાં રહી, ત્યારબાદ નારાયણ સરોવર, માતાનો મઢ, માંડવી સહિતના વિવિધ વિસ્તારોની હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીએ આ દરમિયાન છુપાઈને ફોટા અને વીડિયો પણ ઉતાર્યા હતા, અને ત્યારબાદ તેનો દુરૂપયોગ કર્યો છે.
આરોપી શ્રવણ ચૌધરીની ધરપકડ કરી
આ ઘટના પછી શ્રવણ ચૌધરીએ યુવતીના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આમ યુવતીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું અને અંતે યુવતીએ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદના આધારે વાવ પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી શ્રવણ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.