Banaskantha Rain: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પણ સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો છે. જે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ બનાસકાંઠા જિલ્લાની તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આજે તા. 8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય બનાસકાંઠા કલેક્ટર દ્વારા લેવાયમાં આવ્યો છે.
સુઈગામમાં આભ ફાટ્યું! 16.14 ઈંચ વરસાદ ખાબક્યો
અત્રે જણાવીએ 24 કલાકમાં સુઈગામમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુઈગામમાં 16.14 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી તેમજ ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. બનાસકાંઠાના ભાભરમાં 12.91 અને થરાદમાં 12.48, વાવમાં 12.56 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાપરમાં 12.48 ઈંચ વરસાદ
બનાસકાંઠા બાદ કચ્છમાં પણ મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ નોંધાયો છે. તાપી, પાટણ, વલસાડના તાલુકાઓમાં પણ 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ જિલ્લામાં વરસાદની આગાહી
આજે (8 સપ્ટેમ્બર) બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.