Ahmedabad Flood: રાજ્યમાં ધમધોકાર વરસાદ જામ્યો છે. અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી ધોધમાર વરસાદના પગલે આજે રવિવારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમા ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે ત્યારે વાસણા બેરેજના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે.
સાબરમતી નદીમાં જળસ્તરમાં થયો વધારો
સાબરમતી નદીની ઉપરવાસ આવેલ ધરોઇ ડેમમાંથી 95160 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો છે, તો આ તરફ સંતસરોવરમાંથી 2 2217 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો છે, પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પણ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે, જેની અગમચેતી રાખવા લાગતા-વળગતાને ધ્યાને લેવા પણ જાહેર સૂચના આપવામાં આવી છે.
પોલીસ દ્વારા એલર્ટ રહેવાની સૂચના
સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવતા સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધરોઈ ડેમના દરવાજા ખોલાતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા એલર્ટ રહેવાની સૂચના પણ આપી છે. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ દ્વારા માઇક વડે જાહેરાત કરીને સતત જાહેર જનતાને સાબરમતી રિવરફ્રન્ટ નજીક દિવાલ પાસે ન રહેવા સૂચના આપવામાં આવી છે.