મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની ફરી મુશ્કેલી વધી શકે છે. કારણ કે, મહીસાગરમાં હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં 5 શ્રમિકોના મોત થયા હતા. જે કંપનીના માલિક પણ જયસુખ પટેલ હોવાનું ખુલ્યું છે.
પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથધરી
મહીસાગરમાં કામદારો ડૂબ્યા તે પ્લાન્ટ ચલાવનાર કંપનીના માલિક પણ જયસુખ પટેલ હોવાનું ખુલ્યું છે. મહીસાગર પોલીસે કહ્યું કે, તપાસ દરમિયાન માલિકની બેદરકારી જણાઈ આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. લુણાવાડાના દોલતપુરા ગામમાં આવેલા અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હાઇડ્રો પ્લાન્ટમાં કામદારો ડૂબ્યા મામલે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
'કંપનીના માલિક મોરબીના જયસુખ પટેલ છે'
હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટના જવાબદાર કર્મચારીઓ,અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસ દ્વારા BNS 125, 106(એ) મુજબ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિગતો આપતા જણાવ્યુ કે, 'અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક મોરબીના જયસુખ પટેલ છે. કંપનીના માલિકની બેદરકારી જણાઈ આવશે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે'
જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે : કમલેશ વસાવા, DYSP
લુણાવાડાના ડીવીઝનના DYSP કમલેશ વસાવાએ આ અંગે માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું કે, અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ,કોન્ટ્રકટર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, જે પણ કોઈ કર્મચારી અધિકારી કે માલિકની બેદરકારી દેખાઈ આવશે તો તેઓ સામે કડક પગલા ભરવામાં આવશે.
આમ તો FIR અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટના અધિકારીઓ કર્મચારીઓ,કોન્ટ્રકટર વિરુદ્ધ જ નોંધવામાં આવી છે પરંતુ જયારે પત્રકારો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો કે અજંતા પાવર પ્રોજેક્ટના માલિક કોણ છે ત્યારે DYSP કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, 'અજંતા પાવર પ્રોજેક્ટના માલિક મોરબીના જયસુખ પટેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, કોણ કોણ આમાં સામેલ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જે કોઈ પણ જવાબદાર જાણી આવશે તેઓની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે'
મૃતકના ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ
અજંતા કંપની-કડાણા દુર્ઘટનામાં માર્યા ગયેલા શૈલેષભાઈ રાયજીભાઈ માછીના ભાઈ જયંતિભાઈ રાયજીભાઈ માછીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના ભાઈ શૈલેષભાઈ ખેતી મજુરી તેમજ અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દોલતપુરામાં 2018થી ઈલેક્ટ્રીક મેકેનિકલ તરીકે કામગીરી કરતા હતા.
પોલીસ ફરિયાદમાં ઘટના વિશે શું જણાવ્યું છે?
તારીખ 04 સપ્ટેમ્બરના રોજ શૈલેષભાઈ રાયજીભાઈ માછી તથા ગામના અન્ય કામદારો અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ દોલતપુરામા સવારમાં આઠ વાગ્યે ગયા હતા અને ત્યાં બીજા અન્ય ઓપરેટરો/કારીગરો/હેલ્ફરો તેમજ ઈલેક્ટ્રીકના જાણકાર માણસો મશીનરી ઉપર જમીનથી દોઢસો ફુટ ઉંડાઈમાં કામગીરી કરતા હતા. પ્રોજેક્ટમાં મહી નદીનુ પાણી અચાનક આવી જવાથી અંદર કામગીરી કરતા માણસો ડૂબી ગયા હતા જેથી આજુબાજુના માણસો દોડી આવ્યા હતા અને અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટના જવાબદારવાળા માણસોની તપાસ કરતા તેઓ કોઈ હાજર હતા નહીં.
મૃતકોના નામ
શૈલેષભાઈ રાયજીભાઈ માછી
શૈલેષભાઇ રમેશભાઈ માછી
ભરતભાઈ અખમાભાઈ પાદરીયા
અરવિંદકુમાર અમરસિહ ડામોર
નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી