વડોદરાના જામ્બુવા ગામ પાસે નદીના પ્રવાહ વચ્ચે એક ટ્રક ફસાઈ જતાં જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ હતી. જે ઘટનામાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ બચાવવા માટે ટ્રકની છત પર ચડીને મદદ માગી રહ્યાં હતા. જે બાબતની જાણ ફાયર વિભાગને થતાં એક કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોને ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટ્રકની છત પર ચડી ગયા હતા
અત્રે જણાવીએ કે, હાઇવે પર ભારે ટ્રાફિકના પગલે માટે કેટલાક વાહનચાલકો વિકલ્પીક માર્ગ તરીકે જામ્બુવા ગામના બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે એક ટ્રક ચાલકે પાણીનું સ્તર ઓછું હોવાનું માનીને ટ્રક પાણીમાં ઉતારી દીધી પરંતુ નદીમાં ધસમસતા પ્રવાહમાં ટ્રક ફસાઈ જતાં તેઓ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આમ પાણીનું જળસ્તર વધતા ડ્રાઈવર અને ક્લીનરે તરત જ ટ્રકની છત પર ચડીને પોતાનો જીવ બચાવવા મદદની માગ કરી હતી.
એક કલાકની મહેનત બાદ બેના જીવ બચાવ્યા
સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી જોખમભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. આમ લગભગ એક કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડના જવાનોને ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને સલામત બહાર કાઢ્યા હતાં. ટ્રક ડ્રાઈવર સુરેશએ જણાવ્યું હતું કે, “અમે પોરથી ગાડીમાં ડીઝલ ભરાવીને લઇ જઈ રહ્યા હતા. પાણી ઓછું હોવાનું લાગતાં ટ્રક પાણીમાં ઉતારી હતી, પરંતુ ધસમસતા પ્રવાહમાં ટ્રક ફસાઈ ગઈ.”