Gujarat Legislative Assembly: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. આ ત્રણેય ધારાસભ્યએ રોડ-રસ્તાની ખરાબ સ્થિતિને લઈને જનતાનો અવાજ બનીને બેનર અને પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા અને નારેબાજી કરી હતી.
''...વિકાસની વાતો કરનારા લોકોને રોડ પરના ખાડા દેખાય''
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ''આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી અને ખાડાવાળી સ્થિતિમાં છે. આ રસ્તા પરથી પસાર થતા લોકોના આ શરીરને, વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. લોકો ખૂબ દુઃખી છે અને થાકી ગયા છે. આજે હું મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે જનતાના પ્રતિનિધિ તરીકે ગુજરાતની જનતાનો મુદ્દો લઈને આવ્યો છું. અમે એવી આશા રાખીએ છીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડ પરના ખાડા દેખાય, ખાડામાં પડેલા વાહનો અને ખાડામાં પડતા માણસોની પીડા દેખાય''.
''25 જેટલા સવાલો મેં સરકારને પૂછ્યા''
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ''આજે મારો પ્રથમ દિવસ હોવાથી મને અત્યંત ઉત્સાહ, જિજ્ઞાસાની સાથે સાથે થોડી નર્વસનેસ પણ છે. આ વિધાનસભામાં કંઇ રીતે કામગીરી થાય છે, અહીંના લોકો કઈ રીતે કામ કરે છે, અહીંના નિયમો આ તમામ બાબતો વિશે જાણવાની મને જિજ્ઞાસા છે''. વધુમાં જણાવ્યું હતું કે, ''જુનાગઢ, ભેંસાણ અને વિસાવદરના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે, અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ, અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે. હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એમાં હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ બાબતને લઈને હું થોડો નર્વસ છું. મેં 18 જેટલા સવાલો, ચાર જેટલી નોટિસો અને એક ટૂંકી મુદ્દતની નોટિસ એમ કરીને કુલ 25 જેટલા સવાલો મેં સરકારને પૂછ્યા છે. એમાંથી કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એ ગૃહની અંદર ગયા પછી મને જાણ થશે''.