પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ દીકરીઓ નદીમાં ડૂબી જતાં બેના મોત નીપજ્યા છે અને એક દીકરીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.
સરસ્વતી નદીમાં ત્રણ દીકરીઓ ડૂબી
આ ત્રણેય બાળકી નદીમાં નહાવા માટે ગઈ હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. બાળકી નદીમાં ઉતર્યા બાદ સરસ્વતી નદીના વહેણમાં તણાતા ત્રણેય ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ બચાવ કાર્ય શરૂ કર્યું અને એક બાળકીને જીવતી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
મૃતક બંને સગી બહેનો
જ્યારે અન્ય બે બાળકીના મોત નીપજ્યા હતા. બંને મોત પામેલી બાળકી સગી બહેનો હતી. ત્રણેય બાળકી ઠાકોર સમાજની હતી, આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પરિવારજનો શોકમગ્ન
આ ઘટના પછી ગ્રામજનોમાં ભારે દુઃખનો માહોલ જોવા મળ્યો છે અને પરિવારજનો શોકમગ્ન છે. સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તેમજ લોકોને નદીથી દૂર અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
મૃતકના નામ
કાજલબેન વનરાજજી ઠાકોર, ઉંમર વર્ષ -13
સજનાબેન છનાજી ઠાકોર, ઉંમર વર્ષ - 18