બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, તાજેતરમાં બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં સરેરાશ 400 એમ.એમ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગઈકાલે સાંજે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાહત બચાવની સમગ્ર કામગીરીના સંકલન અને સુપરવિઝન માટે રાજ્ય સરકારએ પાંચ જેટલા અધિક કલેકટર કક્ષાના અધિકારીઓની સરહદી તાલુકામાં નિમણૂક કરી છે.
કલેકટરએ જણાવ્યું કે, સ્થાનિક વહીવટી તંત્ર, પાંચ જેટલી NDRF અને SDRF ની ટીમો મળીને અત્યારસુધી 1678 જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ તથા સ્થળાંતર કરાયું છે. ભાભર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકાઓમાં વીજળીને પુનઃસ્થાપન માટે યુ.જી.વી.સી.એલ ની 86 ટીમો કાર્યરત છે. 297 જેટલા ગામડાઓ પૈકી 133 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે.
કલેકટરએ જણાવ્યું કે, સમગ્ર રાહત બચાવની કામગીરી માટે જિલ્લા કક્ષાની 19 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં રાહત બચાવ, સ્વચ્છતા, કૃષિ, પશુપાલન, વિદ્યુત, રસ્તા મરામત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાના નાયબ કલેક્ટર કક્ષાના 13 જેટલા અધિકારીઓની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે.તેમણે વધુમાં જણાવ્યું કે, વાવ તાલુકાના ભાટબર ખાતે બે મકાનમાં 20 થી 25 લોકો ફસાયા હતા તેમને SDRF ની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયા છે. આ સાથે જ્યાં પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સનું હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.






