Home Gujarat Dhandhuka Fire Incident Fire Brigade Failure Gujarat

ધંધુકામાં 'ફાયર ફાઈટર બગડેલું છે' કહી તંત્રએ હાથ ખંખેર્યા : આગમાં લાખોનું નુકસાન થતા રહીશોમાં રોષ, ચીફ ઓફિસરને કરી લેખિત રજૂઆત

વાળામાં આગ લાગેલી હોય અને સાથે એક ફરિયાદ કરતો પત્ર
Published by: Chintan Chavda
Last Updated: Apr 04, 2026, 01:10 PM IST

ધંધુકા શહેરના રહેણાંક વિસ્તારોમાં જ્યારે કોઈ આફત આવે ત્યારે નાગરિકોની પ્રથમ આશા સ્થાનિક તંત્ર પર હોય છે, પરંતુ ધંધુકામાં બનેલી એક તાજેતરની ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે. મોડર્ન હાઈસ્કૂલ પાછળના વિસ્તારમાં લાગેલી ભીષણ આગ સમયે ફાયર વિભાગે મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ગત 3 એપ્રિલ 2026 ના રોજ બપોરે આશરે 2:30 કલાકે મોડર્ન હાઈસ્કૂલ પાછળના વાડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક રહીશોએ તાત્કાલિક ધંધુકા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે, જવાબમાં તંત્ર દ્વારા અત્યંત બેજવાબદાર નિવેદન આપવામાં આવ્યું કે, "ફાયર બ્રિગેડની ગાડી બંધ છે, તેથી મદદ માટે આવી શકશે નહીં."

રહીશોએ જાતે મેળવ્યો આગ પર કાબૂ

ફાયર વિભાગની નિષ્ક્રિયતા બાદ, રાહ જોયા વગર સ્થાનિક રહીશોએ માનવતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકોએ પોતપોતાના ઘરેથી પાણીની ડોલીઓ ભરીને આગ પર સતત મારો ચલાવ્યો હતો અને કલાકોની જહેમત બાદ આગને વધુ પ્રસરાતી અટકાવી હતી. આ ઘટનામાં અંદાજે 1,00,000 રૂપિયાની સુકી કડબ બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: સુરતના મગદલ્લામાં બનશે આધુનિક કોર્ટ બિલ્ડિંગ! : સુરતની ન્યાયિક પ્રક્રિયા હવે બનશે વધુ ઝડપી અને સુવ્યવસ્થિત

તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ

આ મામલે જાગૃત નાગરિક દેસાઈ સનીઝવારીસ હુસેનભાઈએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરવા છતાં કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. નાગરિકોએ માંગ કરી છે કે:

  • આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવે.

  • પીડિતોને થયેલા આર્થિક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

  • ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ફાયર વિભાગના સાધનો અને વાહનોની સ્થિતિ સુધારવામાં આવે.

જો આગામી સમયમાં નગર પાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને કાનૂની લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now