Home Gujarat Vadodara Vadodara Liquor Raid Aap Worker Hotel Bharat Mali

ફતેગંજમાં રાત્રે પોલીસ ત્રાટકી અને ખુલી ગઈ પોલ! : AAP ના પૂર્વ ઉમેદવારની હોટલમાં શું ચાલતું હતું?

ફતેહગંજ પોલીસ સ્ટેશન
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 05, 2026, 05:41 AM IST

સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના અમલ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) ના સક્રિય કાર્યકર અને પૂર્વ ઉમેદવારની હોટલના કમ્પાઉન્ડમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનાને પગલે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે અને 'AAP' છાવણીમાં સોપો પડી ગયો છે.

ચિસ્તીયા નગર પાસે પોલીસની તવાઈ

મળતી માહિતી મુજબ, ફતેગંજ વિસ્તારમાં જૂના છાણી રોડ પર આવેલા ચિસ્તીયા નગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર ભરત માળીની હોટલ આવેલી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ હોટલના પરિસરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા હોટલના કમ્પાઉન્ડમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દરોડા પૂર્વે જ મુખ્ય સૂત્રધાર ફરાર

પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હોટલ માલિક અને AAP નેતા ભરત માળી પોલીસને થાપ આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. જોકે, પોલીસે સ્થળ પરથી દારૂનું વેચાણ કરી રહેલા બે શખ્સોની ધરપકડ કરી છે: દિનેશ દેવીપૂજક અને લખન. પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને ભરત માળીની શોધખોળ તેજ કરી છે.રાજકીય ગરમાવો: 'AAP' ના ઉમેદવાર હોવાની ચર્ચા

આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે ભરત માળી આમ આદમી પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરત માળી વોર્ડ નંબર 2 માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પણ રહી ચૂક્યો છે. એક રાજકીય પક્ષના જવાબદાર કાર્યકરના ઓથા હેઠળ દારૂનો વેપલો ચાલતો હોવાની વિગતો બહાર આવતા વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે આકરા પ્રહારો શરૂ કર્યા છે.

પોલીસની કડક કાર્યવાહી

ફતેગંજ પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને હોટલના કમ્પાઉન્ડમાં કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી.

આ પણ વાંચો: વડોદરા ગ્રામ્યમાં નશા વિરુદ્ધ મોટું ઓપરેશન : 10 લાખથી વધુના હાઈબ્રીડ ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

એક તરફ વડોદરા પોલીસ દારૂબંધીને કડક બનાવવા મથામણ કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજકીય પીઠબળ ધરાવતા લોકો જ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. અત્યારે સમગ્ર વિસ્તારમાં આ દરોડો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now