છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાટણ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સરહદી તાલુકાઓ રાધનપુર અને સાંતલપુરમાં ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાંતલપુર તાલુકામાં વૌવા, મઢુત્રા, જાખોત્રા, એવાલ, રણમલપુરા, બકુત્રા, બાબરા અને કલ્યાણપુરા ગામો ભારે વરસાદથી અસરગ્રસ્ત બન્યા હતા. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સત્વરે રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કલેક્ટર તુષાર ભટ્ટે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો દ્વારા પાણીમાં ફસાયેલા કુલ 45 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.સાંતલપુર તાલુકાના વૌવા બકુત્રા, અને કલ્યાણપુરા ગામોમાં તળાવો છલકાઈ જતાં મોટા પ્રમાણમાં આસપાસના ગામોમાં પાણી પ્રવેશ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં SDRFની ટીમ, પાટણ નગરપાલિકાની ટીમ અને મામલતદાર કચેરીના સ્ટાફ જોડાયા હતા.
કલેક્ટર તુષાર ભટ્ટે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હાલમાં સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉપરાંત બનાસ નદી પરનો દાંતીવાડા ડેમ 80% ભરાયેલો છે. આ બંને નદીઓ પાટણ જિલ્લામાંથી પસાર થતી હોવાથી નદી કાંઠાના ગામવાસીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ સંજોગોમાં નદી કિનારે અથવા નદીની અંદર પ્રવેશ ન કરવો, જેથી જાનમાલનું જોખમ નિવારી શકાય.પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.