રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત મુદ્દે શરૂ થયેલી ડ્રાઇવને લઈ શહેરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની અનેક રજુઆત બાદ શહેરના વિવિધ ધારાસભ્યો તેમજ સ્થાનિક નેતાઓએ સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. જે બાદ આજે રાજકોટ પોલીસે લોકોને ગુલાબ આપી હેલ્મેટ અંગે જન જાગૃત્તિ ફેલાવી હતી.
હેલ્મેટનો મુદ્દો ગુજ્યો
રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડએ પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું કે, હેલ્મેટનો મુદ્દો લોકોની સુરક્ષાથી જોડાયેલો છે, પણ તેની અમલવારી કેવી રીતે થાય એ પણ મહત્વપૂર્ણ છે. તેમણે અને શહેરના તમામ ધારાસભ્યો દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, 'હેલ્મેટની ફરજિયાતીયતા અંગે લોકો જાગૃત બને તે માટે દંડ ન વસૂલવો જોઈએ. લોકોની જાગૃતતા વધારવા માટે આજથી લોકોના સ્વાગત રૂપે ફૂલ આપીને સમજાવવામાં આવી રહ્યા છે. દંડ માત્ર સરકારની આવકનું સાધન બનવું ન જોઈએ અને ફરજિયાત કાયદા એટલા માટે ન લાદવા જોઈએ કે લોકો હેરાન થાય'.
શહેરના લોકો દ્વારા ઘણી રજૂઆત થઈ હતી: ડો. દર્શિતા શાહ
રાજકોટ શહેરની ધારાસભ્ય ડો. દર્શિતા શાહે સ્પષ્ટ કર્યું કે લોકોની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હેલ્મેટ કાયદાનો અમલ એ લોકોને અકસ્માતમાંથી બચાવવા માટે જ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે શહેરના લોકો દ્વારા ઘણી રજૂઆત થઈ હતી, જેને ધ્યાને લઈને તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે બંને નેતાઓનો આભાર માન્યો અને કહ્યું કે હવે આવા કાયદાનો અમલ લોકોની જાગૃતતાથી કરવામાં આવશે.
હેલ્મેટ પહેરીને નિયમનુસાર વાહન ચલાવવું જોઈએ: પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા
રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પણ પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું કે, '8 સપ્ટેમ્બરથી શહેરમાં આ નિયમ અમલમાં આવ્યો છે. જે અંતર્ગત દોઢ મહિનાથી લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો'. તેમણે જણાવ્યું કે 'શહેરના મોટાભાગના વાહનચાલકોએ હેલ્મેટ પહેરીને નિયમનુસાર વાહન ચલાવવું જોઈએ'.
હેલ્મેટ પહેરનારાઓને ગુલાબના ફૂલ આપી શુભેચ્છા આપી
રાજકોટ પોલીસ દ્વારા આજે પણ જાગૃતતાની અભિયાનરૂપે હેલ્મેટ પહેરનારાઓને ગુલાબના ફૂલ આપી શુભેચ્છા આપવામાં આવી. આ અભિગમના પગલે લોકોને દંડથી નહીં પરંતુ સમજથી જાગૃત કરવાનું પોલીસનું વલણ દેખાય છે.






