Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. બગદાણા વિવાદ અને હુમલાની ઘટના બાદ રાજ્યભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહેલા નવનીત બાલધિયાએ વિધિવત રીતે રાજકીય સફરની શરૂઆત કરી છે. નવનીત બાલધિયા આજે કોંગ્રેસના સુકાનીઓની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ધારાસભ્ય અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનું પણ કોંગ્રેસમાં ગમન
નવનીત બાલધિયાની સાથે સાથે આમ આદમી પાર્ટી (AAP) ના સ્થાનિક સંગઠનમાં પણ મોટું ગાબડું પડ્યું છે. AAPના અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે, જેમાં અનિલભાઈ સિંગલ (પ્રમુખ), હસ્મિતાબા (મહિલા પ્રમુખ), ભરતભાઈ માળી (OBC ચેરમેન), મયુરભાઈ દુલેરા(અનુસૂચિત જાતિ ચેરમેન), નટુભા ઝાલા અને નિલેશ ઠાકર (ઉપ પ્રમુખ), કિરીટસિંહ રાઠોડ (સંગઠન મંત્રી) આ ઉપરાંત સાતેય વોર્ડના પ્રભારીઓ અને અન્ય હોદ્દેદારોએ પણ પંજાનો સાથ પકડ્યો છે. આ તમામ નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને લોકશાહીના મૂલ્યોની રક્ષા માટે કોંગ્રેસ પરિવારમાં જોડાયા છે.
શું હતો બગદાણા વિવાદ અને હુમલાનો મામલો?
નવનીત બાલધિયા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બગદાણા ધામના સેવક તરીકે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ સામે આરોપ લાગ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર કોળી સમાજ માં રોષ ફાટી નીકળ્યો હતો. સમાજની એકતાના દર્શન કરાવતા અનેક સંમેલનો યોજાયા હતા અને છેક ગાંધીનગર સુધી ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. વિવાદ વકરતા સરકારે આ મામલે SIT (સીટ) ની રચના કરી હતી, ત્યારબાદ આરોપીઓની ધરપકડ થઈ હતી.
"ભાજપના ત્રાસથી કોંગ્રેસમાં જોડાયો છું"- નવનીત બાલધિયા
કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ નવનીત બાલધિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપના શાસનમાં અનેક અત્યાચારો થઈ રહ્યા છે. મારા પર હુમલો થયો હોવા છતાં મને યોગ્ય ન્યાય મળ્યો નથી. તપાસ કરનાર DySP ને અન્ય જગ્યાનો ચાર્જ આપી દેવામાં આવ્યો. ભાજપના ત્રાસથી કંટાળીને હું આજે કોંગ્રેસમાં જોડાયો છું." વધુમાં તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો પક્ષનું નેતૃત્વ આદેશ કરશે તો તેઓ આગામી ચૂંટણીઓમાં મેદાને ઉતરવા પણ તૈયાર છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમીકરણો બદલાશે?
નવનીત બાલધિયાના કોંગ્રેસમાં પ્રવેશથી કોળી સમાજની વોટબેંક પર મોટી અસર પડી શકે તેમ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ તેમને મહત્વની જવાબદારી સોંપે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. એકતરફ ભાજપ મજબૂત સંગઠનનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ જમીની સ્તરના લડાયક નેતાઓનું કોંગ્રેસમાં જોડાવું એ સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.





