Home Gujarat Hira Solankis Statement At The Koli Samaj Conference In Surat After The Arrest Of Jairaj Ahir

'હવે જે શંકાઓ સમાજમાં હતી તેનું સમાધાન થઈ ગયું છે' : જયરાજ આહીરની ધરપકડ બાદ સુરતમાં કોળી સમાજના સંમેલનમાં હીરા સોલંકીએ શું કહ્યું?

'હવે જે શંકાઓ સમાજમાં હતી તેનું સમાધાન થઈ ગયું છે'
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 09:00 AM IST

બગદાણા નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં જયરાજ આહિરની ધરપકડ બાદ કોળી સમાજમાં સંતોષ અને ન્યાયની ભાવના જોવા મળી રહી છે. આ ધરપકડ પછી પ્રથમ વખત સુરતમાં કોળી સમાજ દ્વારા આભાર વિધિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા.

'હવે જે શંકાઓ સમાજમાં હતી તેનું સમાધાન થઈ ગયું છે'

આ સંમેલન દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે જયરાજ આહિરની ધરપકડથી સમાજને ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે હવે જે શંકાઓ સમાજમાં હતી તેનું સમાધાન થઈ ગયું છે. સરકાર દ્વારા જે પ્રકારનું કાર્ય થવાની અપેક્ષા રાખવામાં આવી હતી તે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ કોળી સમાજના અન્ય ધારાસભ્યો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે પોલીસે જે પણ પગલાં લીધા છે તે યોગ્ય છે અને આગળ પણ કાયદા મુજબ કાર્યવાહી થશે.

'આપણી એકતાથી આપણને ન્યાય મળ્યો છે'

આભાર વિધિ સંમેલનમાં વીડિઓ કોલ મારફતે નવનીત બાલધિયાએ સુરતમાં ઉપસ્થિત કોળી સમાજના લોકોને સંબોધન કર્યું હતું. નવનીત બાલધિયાએ કહ્યું કે “આપણી એકતાથી આપણને ન્યાય મળ્યો છે.” તેમણે સમાજની એકતાની પ્રશંસા કરતાં કહ્યું કે ભવિષ્યમાં પણ સમાજ આવી જ રીતે એકતામાં બંધાયેલો રહે તેવી તેઓ આશા રાખે છે.

'હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે'

માયાભાઈ આહિરના નિવેદન અંગે હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, 'હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે'. જે આગળ થશે તે પણ સારા માટે જ થશે, આ એક વાસ્તવિકતા છે.” તેમણે ઉમેર્યું કે જીવનમાં ઘણી વખત ઈશ્વરના સંકેત મુજબ ઘટનાઓ બનતી હોય છે અને તેને સમજવાની જરૂર હોય છે. હાલ મામલો કાયદાકીય લડાઈનો છે અને આગળની તપાસમાં જે કંઈ બહાર આવશે તેના આધારે પોલીસ યોગ્ય તપાસ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now