Ahmedabad Plane Crash: અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ થોડી જ સેકન્ડોમાં તૂટી પડેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટના અંગે હવે નવો વિવાદ ઊભો થયો છે. અત્યાર સુધી સત્તાવાર તપાસમાં જે તારણો સામે આવ્યા હતા, તેને હવે ભારતના પાઇલટ્સના સૌથી મોટા સંગઠનોમાંના એક ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP)એ પડકાર્યા છે. સંગઠનનું કહેવું છે કે, વિમાન દુર્ઘટનાનું કારણ પાઇલટ્સ દ્વારા જાણપૂર્વક ફ્યુઅલ સપ્લાય બંધ કરવું નહોતું, પરંતુ, વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં સર્જાયેલી ગંભીર ખામી હોય શકે છે. આ દાવા બાદ વિમાન દુર્ઘટનાની તપાસને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. FIPનું કહેવું છે કે, સત્તાવાર તપાસ દરમિયાન કેટલાક મહત્વના ટેક્નિકલ પુરાવાઓને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી અને અનુભવી નિષ્ણાતોના અભિપ્રાયને પણ અવગણવામાં આવ્યો છે.
સત્તાવાર રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું?
અંતરિમ તપાસ રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ ક્રૂએ વિમાનના એન્જિન સુધી પહોંચતો ઇંધણ પુરવઠો જાતે બંધ કર્યો હતો, જેના કારણે બંને એન્જિન નિષ્ક્રિય થઈ ગયા હતા. તપાસમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ ઘટનાના માત્ર ચાર સેકન્ડ બાદ વિમાનની રેમ એર ટર્બાઇન (Ram Air Turbine - RAT) સક્રિય થઈ ગઈ હતી. રેમ એર ટર્બાઇન એ વિમાનની બેકઅપ પાવર સિસ્ટમ છે, જે મુખ્ય વીજ પુરવઠો ખોરવાઈ જાય ત્યારે આપમેળે કાર્યરત થાય છે.
પાઇલટ્સ ફેડરેશનનો વિરોધાભાસી દાવો
FIPના પ્રમુખ કેપ્ટન સી.એસ. રંધાવાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સંગઠને દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટની સમાન પરિસ્થિતિઓ હેઠળ વિસ્તૃત સિમ્યુલેટર પરીક્ષણો કર્યા હતા. તેમાં વિમાનનું વજન, હવામાન અને ટેકનિકલ પરિબળોને મૂળ ફ્લાઇટ જેવા જ રાખવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, જો કોઈ પાઇલટ મેન્યુઅલી ફ્યુઅલ સપ્લાય બંધ કરે તો રેમ એર ટર્બાઇન સક્રિય થવામાં આશરે 18 સેકન્ડનો સમય લાગે છે. જ્યારે સત્તાવાર રિપોર્ટમાં દર્શાવાયેલા ચાર સેકન્ડનો સમય ટેક્નિકલ રીતે શક્ય જ નથી. FIPનું માનવું છે કે, રેમ એર ટર્બાઇન એટલી ઝડપથી સક્રિય થઈ હતી કારણ કે વિમાનમાં પહેલેથી જ મોટાપાયે ઇલેક્ટ્રિકલ ફેલ્યોર સર્જાયું હતું.
‘ઇલેક્ટ્રિકલ ખામીએ જ વિમાનને અશક્ત બનાવ્યું’
ફેડરેશનના દાવા મુજબ વિમાનની વીજ વ્યવસ્થામાં સર્જાયેલી ગંભીર ખામીએ એન્જિન કંટ્રોલ સિસ્ટમને અસર કરી હતી. પરિણામે એન્જિન સંબંધિત સ્વિચિસ અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમો પ્રભાવિત થઈ અને આખરે વિમાન નિયંત્રણ ગુમાવી બેઠું. સંગઠનનું કહેવું છે કે, આ શક્યતા પર વધુ ગંભીરતાથી તપાસ થવી જોઈએ કારણ કે તે સમગ્ર દુર્ઘટનાની દિશા બદલી શકે છે.
એકમાત્ર બચેલા મુસાફરના નિવેદનનો પણ ઉલ્લેખ
FIPએ દાવો કર્યો છે કે આ દુર્ઘટનામાંથી બચેલા એકમાત્ર મુસાફરે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, વિમાન તૂટી પડતાં પહેલાં કેબિનની લાઈટો ઝબૂકી રહી હતી અને તેમની તેજી અચાનક ઘટી ગઈ હતી.
ફેડરેશનનું કહેવું છે કે, આ વિગતો પણ ઇલેક્ટ્રિકલ ફેલ્યોરની થિયરીને મજબૂત બનાવે છે. પાઇલટ્સ સંગઠને વધુમાં દાવો કર્યો છે કે, દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787 વિમાનમાં અગાઉથી કેટલીક ઇલેક્ટ્રિકલ ખામીઓ નોંધાઈ હતી, જેનો સંપૂર્ણ ઉકેલ આવ્યો હતો કે નહીં તે પણ તપાસનો વિષય છે. તેમના મતે દુર્ઘટના પહેલાંના ટેક્નિકલ રેકોર્ડની વધુ ઊંડી તપાસ જરૂરી છે.
તપાસમાંથી નિષ્ણાતને દૂર રાખ્યાનો આરોપ
FIPએ તપાસ એજન્સીઓ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે ભારતના અગ્રણી બોઇંગ 787 નિષ્ણાત ગણાતા કેપ્ટન આર.એસ. સંધુને તપાસ પ્રક્રિયાના મહત્વના તબક્કાઓથી દૂર રાખવામાં આવ્યા હતા. કેપ્ટન રંધાવાના જણાવ્યા અનુસાર, કેપ્ટન સંધુનો અનુભવ અને ટેક્નિકલ સમજ સત્તાવાર તારણોને પડકારતી હોવાથી તેમની ભૂમિકાને મર્યાદિત કરવામાં આવી હતી.
બોઇંગ અને સરકારને સોંપાયા નવા પુરાવા
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સે જણાવ્યું છે કે સિમ્યુલેટર પરીક્ષણોના તમામ પરિણામો અને ટેક્નિકલ વિશ્લેષણ બોઇંગ તેમજ સરકારી ઉડ્ડયન સત્તાધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. સંગઠને માંગ કરી છે કે, રેમ એર ટર્બાઇનના સમયગાળા અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સંબંધિત પ્રશ્નોની સંપૂર્ણ તપાસ થાય ત્યાં સુધી અંતિમ અકસ્માત રિપોર્ટ જાહેર ન કરવામાં આવે.
અંતિમ રિપોર્ટ પહેલાં વધી શકે છે ચર્ચા
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના ભારતના નાગરિક ઉડ્ડયન ઇતિહાસની સૌથી ગંભીર ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. હવે પાઇલટ્સ ફેડરેશનના નવા દાવાઓ સામે આવ્યા બાદ તપાસ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. જોકે, આ દાવાઓ અંગે હજુ સુધી સત્તાવાર તપાસ એજન્સીઓ અથવા સરકાર તરફથી કોઈ નવી પ્રતિક્રિયા સામે આવી નથી. અંતિમ રિપોર્ટ જાહેર થયા બાદ જ અકસ્માતના વાસ્તવિક કારણો અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.





