અમદાવાદ: ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાની પ્રિમોનસૂન કામગીરીના દાવા કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તૈયારીઓ પ્રથમ જ વરસાદી ઝાપટામાં સવાલોના ઘેરામાં આવી ગઈ છે. શહેરના વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર અમદાવાદ ગ્રામ્ય SP કચેરી નજીક સામાન્ય વરસાદ બાદ જ રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાની સમસ્યાએ માત્ર ટ્રાફિકને જ અસર કરી નથી, પરંતુ અહીં મોટી દુર્ઘટનાનો ખતરો પણ ઉભો કર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્ય SP કચેરીથી માત્ર 20થી 25 મીટરના અંતરે રોડના ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વાહનોને ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી હતી. પરિણામે સાણંદ ચોકડી તરફ જતાં મુખ્ય માર્ગ અને તેની સાથેના સર્વિસ રોડ પર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
વરસાદી પાણીના નિકાલના દાવા સામે વાસ્તવિકતા
AMC દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં ડ્રેનેજ લાઇનની સફાઈ, વરસાદી પાણીના નિકાલ માટે ગટરોની કામગીરી અને વિવિધ વિસ્તારોમાં પ્રિમોનસૂન ઓપરેશન હાથ ધરવામાં આવે છે. જોકે SG હાઈવે પર સર્જાયેલી સ્થિતિએ આ કામગીરીની અસરકારકતા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગઈકાલ સુધી ગટરનું પાણી શાંત હતું, પરંતુ રાત્રે વરસાદ પડતા ગટરો પણ છલોછલ ભરાઈ ગઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટર વ્યવસ્થા જ પાણીથી ભરાઈ જતા નિકાલની સમગ્ર વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ હોવાનું જોવા મળ્યું હતું.
આ પરિસ્થિતિમાં વાહનચાલકોને રોડ પર ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. અનેક વાહનચાલકોએ જણાવ્યું કે પાણી ભરાયેલા ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતની શક્યતા વધી ગઈ હતી. ખાસ કરીને બાઈકચાલકો માટે સ્થિતિ વધુ જોખમી બની હતી.
સર્વિસ રોડ માટે મોટો ખતરો
આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર મુદ્દો ગટરલાઇનમાંથી નીકળતા પાણીનો છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ મુખ્ય માર્ગની વચ્ચે આવેલી ગટરલાઇનનું પાણી બાજુના સર્વિસ રોડની નીચેની માટીમાં ઉતરી રહ્યું છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો સર્વિસ રોડની જમીન નબળી પડી શકે છે અને ગમે ત્યારે રોડ બેસી જવાની શક્યતા ઊભી થઈ શકે છે.
શહેરી માળખાકીય નિષ્ણાતોના મતે રોડની નીચે સતત પાણી જવાથી જમીનની ધારણ ક્ષમતા ઘટે છે. જેના કારણે અચાનક રોડ ધસી પડવાની અથવા ખાડો પડી જવાની ઘટનાઓ બની શકે છે. જો વ્યસ્ત માર્ગ પર આવી ઘટના બને તો તે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોરતા જણાવ્યું છે કે હાલની સ્થિતિ માત્ર ટ્રાફિકની સમસ્યા નથી પરંતુ જાહેર સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી તાત્કાલિક તકેદારીના પગલાં ભરવા જરૂરી બન્યા છે.
5 મહિના પહેલાં પણ સામે આવી હતી સમસ્યા
આ સ્થળે આ પ્રકારની સમસ્યા પ્રથમવાર સામે આવી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે પાંચ મહિના પહેલાં પણ અહીં વરસાદ વગર જ ગટરના ગંદા પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. તે સમયે વિસ્તાર દુર્ગંધથી ભરાઈ ગયો હતો અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
તે સમયે પણ નાગરિકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. જોકે હાલ ફરી એકવાર સમાન પ્રકારની સમસ્યા સર્જાતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાને બદલે માત્ર કામચલાઉ ઉકેલો અપનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરતના સચિનમાં ગુંડાગર્દીનો વીડિયો વાયરલ : હાથમાં સળિયા અને પટ્ટા લઈને આતંક મચાવનાર 4 શખ્સોની ધરપકડ
નાગરિકોમાં રોષ, તંત્ર સામે સવાલો
સામાન્ય વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાની ઘટનાએ નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે ચોમાસું હજુ શરૂઆતના તબક્કામાં છે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે, તો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે ત્યારે શું સ્થિતિ સર્જાશે?
નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે પ્રિમોનસૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેનું પરિણામ મેદાનમાં જોવા મળતું નથી. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી વ્યવસ્થાઓ નિષ્ફળ જતી હોય તો તેની જવાબદારી કોણ લેશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.





