ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ નવો વિવાદ ઉભો થયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિત કેટલાક પરંપરાગત આગાહીકારોની આગાહીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે અંબાલાલ પટેલની આગાહીઓને ‘બકવાસ’ ગણાવી હોવાના નિવેદન બાદ હવે જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામીએ કડક પ્રતિક્રિયા આપી છે. પરેશ ગોસ્વામીએ જયંત પંડ્યાનું નામ લીધા વગર અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું કે, ગુજરાતના ગૌરવ સમાન વ્યક્તિ અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમણે ચેતવણીના સ્વરમાં કહ્યું કે જો ભવિષ્યમાં ફરી આ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવશે તો તેઓ ખુલ્લેઆમ પડકાર સ્વીકારવા તૈયાર છે.
અંબાલાલ પટેલ પરની ટિપ્પણીથી ગરમાયું વાતાવરણ
તાજેતરમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિત જૂનાગઢના અનેક આગાહીકારોની આગાહીઓની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આવી આગાહીઓ વૈજ્ઞાનિક આધાર વગરની હોય છે અને ઘણીવાર ખોટી સાબિત થાય છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને વિવિધ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. હવે આ મુદ્દે પરેશ ગોસ્વામી ખુલીને અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે.
‘અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ’
Offbeatstories સાથે ખાસ વાતચીત દરમિયાન પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 'વિજ્ઞાન જાથાના એક વ્યક્તિએ ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય તેવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યા છે. અંબાલાલ કાકા છે તેએ આ વ્યક્તિની પિતાની ઉંમરના છે, છતાં પણ તેમની સાથે તોછડાઈ સાથે વાત કરી તેમની સાથે જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતાભર્યું વર્તન છે. '
પરેશ ગોસ્વામીએ પોતાના નિવેદનમાં ભારતની પ્રાચીન પરંપરા અને ઋષિમુનિઓના જ્ઞાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કેઅંબાલાલ કાકા જે આગાહી કરે છે તે વર્ષો જૂની આપણી જે પરંપરા છે, ભારતની અંદર જે વડીલો થઇ ગયા, ઋષિમુનીઓ થઇ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલાં પણ ઘણાબધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે તે આજની તારીખમાં આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે, આપણા જે વડીલો હતા, ઋષિમુનિઓ હતા, સંતો હતા એમણે જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે અમેરિકાનું નાસા પણ નથી પહોંચી શક્યું. જેમ કે આપણી હનુમાન ચાલિસામાં છે- "જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ। લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ॥" એટલે કે હનુમાન જીના પરાક્રમનું જે વર્ણન કરવામાં આવે છે એની અંદર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર દર્શાવવામાં આવ્યું છે. જેને તુલસીદાસ સ્વામીએ એક વૃક્ષ નીચે બેસી આજથી 1400થી 1500 વર્ષ પહેલાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બતાવ્યું હતું જેને નાસા પણ સ્વીકારે છે એ એટલું જ અંતર છે.
પરંપરાગત જ્ઞાન અને ભડલી વાક્યનો ઉલ્લેખ
વધુમાં તેઓ કહે છે કે, આપણા ઋષિમુનિઓ હતા સંતો હતા પહેલેથી જ મોટા વૈજ્ઞાનિકો હતા, અને ખાસ કરીને અંબાલાલ કાકા જે આગાહી કરે છે તે ભડલી વાક્યનો વધુ ઉપયોગ કરે છે, ભડલી રાજસ્થાનના મેવાળનો એક પરિવાર હતો જે માલધારી પરિવાર હતો અને એમણે ત્રણ પેઢી સુધી સતત વરસાદ અને હવામાન વિશે અભ્યાસ કરીને જે પુસ્તક બનાવ્યું છે તે પુસ્તકનું નામ છે 'ભડલી વાક્ય', તે પુસ્તકની અંદર જે હવામાનના અમુક લક્ષણો દર્શાવવામાં આવ્યા છે, તે મુજબ જ વાતાવરણમાં અસર જોવા મળતી હોય છે. 1400 વર્ષ પહેલાં જે આ પુસ્તક લખાયું હતું તેમાં પણ ઘણુંબધું સત્ય છે. તેના આધારે આગાહી કરતા હોય તેવા વ્યક્તિ પર સવાલ ઉઠાવવો અયોગ્ય છે.
‘આગાહી પર સવાલ ઉઠાવવો યોગ્ય, પરંતુ અપમાન નહીં’
Offbeatstories સાથે વાત કરતા વધુમાં પરેશ ગોસ્વામીએ કહે છે કે, કોઈપણ આગાહી સાથે સહમત કે અસહમત થવાનો દરેકને અધિકાર છે, પરંતુ વ્યક્તિગત ટિપ્પણીઓ અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે, અંબાલાલ પટેલ પર પ્રહાર કરવાનો અર્થ માત્ર એક વ્યક્તિ પર નહીં પરંતુ વર્ષોથી ચાલતી આવતી વરસાદ અને હવામાન વિષયક પરંપરાગત જ્ઞાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા જેવો છે.
પદ્મશ્રી માટે પણ કરી ભલામણ
પરેશ ગોસ્વામીએ અંબાલાલ પટેલના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે, તેઓ વર્ષોથી નિઃસ્વાર્થપણે સમાજને માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના મતે અંબાલાલ પટેલના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય સન્માનથી નવાજવા જોઈએ. તેમણે જણાવ્યું કે, લોકો સુધી સતત માહિતી પહોંચાડવાની તેમની સેવા પ્રશંસનીય છે અને આવા વ્યક્તિઓને પ્રોત્સાહન મળવું જોઈએ.
ફરી ટિપ્પણી થશે તો પડકાર ફેંકવાની ચેતવણી
પરેશ ગોસ્વામીએ અંતમાં વિજ્ઞાન જાથાને સંદેશ અને ચેતવણી આપતા એમ પણ કહ્યું હતું કે, ભવિષ્યમાં આવી ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જો ફરી અંબાલાલ પટેલનું અપમાન કરવામાં આવશે તો તેઓ જાહેરમાં ચર્ચા અને પડકાર માટે તૈયાર રહેશે. આ નિવેદન બાદ હવે આ મુદ્દે ચર્ચા વધુ તેજ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ વૈજ્ઞાનિક અભિગમ અને બીજી તરફ પરંપરાગત જ્ઞાન વચ્ચેની ચર્ચા ફરી કેન્દ્રસ્થાને આવી છે.





