Ambalal Patel VS Jayant Pandya: ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થાય અને હવામાનની આગાહીઓ ચર્ચામાં ન આવે એવું ભાગ્યે જ બને. દર વર્ષે વરસાદ, વાવાઝોડા અને ઋતુ પરિવર્તન અંગેની આગાહીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેતા નામોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું નામ અગ્રેસર હોય છે. જોકે આ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ હવામાનની આગાહીને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. ભારત જન વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિત અનેક ખાનગી આગાહીકારો પર આકરા પ્રહારો કરતાં તેમની આગાહીઓને બિનવૈજ્ઞાનિક અને ભ્રામક ગણાવી છે. જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે પણ વળતો જવાબ આપતાં વિજ્ઞાન જાથા પર જ સવાલો ઉઠાવ્યા છે. પરિણામે હવે આ મુદ્દો માત્ર હવામાનની આગાહી પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ ‘વિજ્ઞાન સામે પરંપરાગત જ્ઞાન’ની ચર્ચામાં પરિવર્તિત થયો છે.
જયંત પંડ્યાનો સવાલ: સાધનો વગર આગાહી કેવી રીતે?
રાજકોટમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણા સ્વઘોષિત હવામાન નિષ્ણાંતો કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક સાધનો કે આધુનિક ટેક્નોલોજી વિના આગાહીઓ કરે છે. તેમના મતે આ પ્રકારની આગાહીઓના કારણે લોકોમાં ગેરસમજ અને ભ્રમ ફેલાય છે. તેમણે દાવો કર્યો હતો કે, આ વર્ષે ચોમાસાના આગમન અને વરસાદ અંગે કરવામાં આવેલી અનેક આગાહીઓ ખોટી સાબિત થઈ છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, "અંબાલાલ બકવાસ કરે છે, દરેક વાતમાં પોતાનો પગ પસાર કરે છે." તેમના અનુસાર, માત્ર ભારતીય હવામાન વિભાગ (IMD) અને વૈજ્ઞાનિક ડેટા આધારિત આગાહીઓ જ વિશ્વસનીય ગણાવી શકાય. જયંત પંડ્યાએ વધુમાં કહ્યું કે, હવામાન જેવી ગંભીર બાબતમાં માત્ર અંદાજો અને પરંપરાગત માન્યતાઓના આધારે માહિતી આપવી યોગ્ય નથી.
આ પણ વાંચો: વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ : ગુજરાતના 5 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ
અંબાલાલ પટેલ પર સીધા પ્રહાર
જયંત પંડ્યાએ પોતાના નિવેદનમાં અંબાલાલ પટેલનું નામ લઈને તેમની આગાહીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અંબાલાલ પટેલની ઘણી આગાહીઓ ભૂતકાળમાં ખોટી પડી છે અને લોકો તેમના નિવેદનોને ઘણી વખત સ્પષ્ટ રીતે સમજી પણ શકતા નથી. તેમણે અહીં સુધી કહ્યું હતું કે, અંબાલાલ પટેલ અને અન્ય આગાહીકારોએ જાહેરમાં આગાહીઓ આપવાનું બંધ કરી દેવું જોઈએ. તેમના મતે જો આવી આગાહીઓ બંધ થઈ જાય તો ખેડૂતો કે સામાન્ય લોકોને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ ભ્રમ ફેલાતો અટકી જશે.
અંબાલાલ પટેલનો વળતો પ્રહાર
જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે પણ મૌન તોડ્યું અને તીખો જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા સામે કામ કરવું જોઈએ અને પરંપરાગત હવામાન જ્ઞાનને બિનવૈજ્ઞાનિક ગણાવતા પહેલાં તેનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, તેમની આગાહીઓ માત્ર કહેવતો કે માન્યતાઓ પર આધારિત નથી, પરંતુ વર્ષો જૂની પરંપરાગત પદ્ધતિઓ, નક્ષત્ર વિજ્ઞાન, ઋતુચક્ર અને કુદરતી સંકેતોના અભ્યાસ પર આધારિત છે. તેમણે કહ્યું કે, ‘ભડલી વાક્યો’ માત્ર લોકકથાઓ નથી, પરંતુ તેમાં હવામાનના લાંબા ગાળાના અવલોકનો છુપાયેલા છે.
નક્ષત્રો, વર્ષાગર્ભ અને કુદરતી સંકેતોનો દાવો
અંબાલાલ પટેલના મતે ચંદ્ર, નક્ષત્રો, પવનની દિશા, પ્રાણીઓનું વર્તન અને પ્રકૃતિમાં થતા સૂક્ષ્મ ફેરફારો હવામાન અંગે મહત્વપૂર્ણ સંકેતો આપે છે. તેમણે દાવો કર્યો કે, વર્ષાગર્ભના સિદ્ધાંત અનુસાર ચોક્કસ નક્ષત્રોમાં સર્જાતા સંજોગો ભવિષ્યના વરસાદ અંગે સંકેત આપે છે. ઉપરાંત ટીટોડીના ઈંડા, કરોળિયાનું જાળું, કીડીઓની હિલચાલ અને આકાશમાં દેખાતી કેટલીક કુદરતી ઘટનાઓ પણ વરસાદની સંભાવનાઓ દર્શાવે છે. તેમના મતે આધુનિક ઉપકરણો તાત્કાલિક હવામાનની માહિતી આપે છે, જ્યારે પરંપરાગત પદ્ધતિઓ લાંબા ગાળાના ઋતુચક્રને સમજવામાં મદદરૂપ બને છે.
વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન વચ્ચેની ચર્ચા
આ સમગ્ર વિવાદે એક મહત્વપૂર્ણ ચર્ચાને જન્મ આપ્યો છે. એક તરફ હવામાન વિભાગ અને વૈજ્ઞાનિકો આધુનિક ટેક્નોલોજી, સેટેલાઇટ ડેટા અને કમ્પ્યુટર મોડલના આધારે આગાહી કરે છે. બીજી તરફ અંબાલાલ પટેલ જેવા આગાહીકારો વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત પદ્ધતિઓ અને પ્રકૃતિના સંકેતોને મહત્વ આપે છે. વિશેષજ્ઞો માને છે કે, આધુનિક હવામાન વિજ્ઞાન વધુ પ્રમાણભૂત અને ડેટા આધારિત હોય છે, પરંતુ ગ્રામ્ય સમાજમાં પરંપરાગત જ્ઞાન અને અનુભવને પણ લોકો લાંબા સમયથી અનુસરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું ફરી ધીમું પડ્યું : નિયમિત વરસાદ માટે હજુ રાહ જોવી પડશે; IMD એ કરી આગાહી
ખેડૂતો અને સામાન્ય લોકો માટે શું મહત્વનું?
ગુજરાતમાં હજારો ખેડૂતો આજે પણ વરસાદની આગાહીઓ પર પોતાના ખેતીના નિર્ણયો આધારિત રાખે છે. આવી સ્થિતિમાં આગાહીઓ અંગેના વિરોધાભાસી દાવાઓ લોકોમાં ગૂંચવણ ઊભી કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, કોઈપણ આગાહી પર સંપૂર્ણપણે નિર્ભર રહેવાને બદલે સત્તાવાર હવામાન વિભાગની માહિતી, સ્થાનિક પરિસ્થિતિ અને વૈજ્ઞાનિક ડેટાને પ્રાથમિકતા આપવી જોઈએ. હાલ માટે અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વચ્ચેનો આ વિવાદ ગુજરાતમાં હવામાનની ચર્ચાને વધુ ગરમાવી રહ્યો છે. પરંતુ આ ચર્ચાએ એક મહત્વનો સવાલ પણ ઉભો કર્યો છે કે ભવિષ્યમાં હવામાનની આગાહીમાં પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવામાં આવશે?





