Home Gujarat Tiktok Girl Kirti Patels Statement Is In The News Jitu Vaghani Farmers Ultimatum Bhavnagar

"...તો હું જીતુ વાઘાણીના પગ ધોઈને પાણી પીશ" : વિવાદોમાં રહેતી TikTok ગર્લ કીર્તિ પટેલનું નિવેદન ચર્ચામાં, જાણો શું છે મામલો

Kirti Patel Jitu Vaghani
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jun 18, 2026, 12:57 PM IST

Kirti Patel Viral Statement: ગુજરાતમાં સોશિયલ મીડિયા પર પોતાના આક્રમક અંદાજ અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. જોકે આ વખતે મુદ્દો સોશિયલ મીડિયા વિવાદો કે, વ્યક્તિગત ટિપ્પણીઓનો નથી, પરંતુ ખેડૂતોના પ્રશ્નો અને તેમની ન્યાયિક માંગણીઓ સાથે જોડાયેલો છે. ભાવનગરમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના કાર્યાલય ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પહોંચેલી કીર્તિ પટેલે મીડિયા સમક્ષ આપેલા નિવેદનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જ્યો છે. તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો દ્વારા પાક નુકસાન, ખેતી સંબંધિત સમસ્યાઓ અને અન્ય પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોના મુદ્દાઓને આગળ ધપાવવા માટે કીર્તિ પટેલ અને બન્ની ગજેરા ભાવનગર ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઓફિસે પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતોની માંગણીઓ અને પ્રશ્નો અંગે આવેદનપત્ર રજૂ કર્યું હતું.

જીતુ વાઘાણી પર ભરોસો વ્યક્ત કરતાં આપ્યું ચોંકાવનારું નિવેદન

રજૂઆત બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન કીર્તિ પટેલે કૃષિમંત્રી જીતુ વાઘાણી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યું કે, તેમને વિશ્વાસ છે કે, જીતુ વાઘાણી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે અને ખેડૂતોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન કીર્તિ પટેલે એક એવું નિવેદન આપ્યું જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેણે કહ્યું કે, "મને જીતુભાઈ વાઘાણી પર પૂરો ભરોસો છે. જો તેઓ ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવશે અને ખેડૂતોનું હિત કરશે તો હું તેમના પગ ધોઈને પાણી પીવા પણ તૈયાર છું." કીર્તિ પટેલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેના નિવેદનને ખેડૂતો માટેની પ્રતિબદ્ધતા તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને રાજકીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: "અંબાલાલ પટેલ બકવાસ કરે છે, ખોટી આગાહીઓ કરવાનું બંધ કરે" : હવામાન નિષ્ણાતની આગાહી અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો પ્રહાર

ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ

માત્ર રજૂઆત કરીને જ કીર્તિ પટેલ અને બન્ની ગજેરા અટક્યા નહોતા. બંનેએ સરકાર અને કૃષિમંત્રીને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે 15 દિવસનો સમય આપ્યો હોવાનું જણાવ્યું છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, જો આ સમયગાળા દરમિયાન ખેડૂતોની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર લડત શરૂ કરવામાં આવશે. તેણે દાવો કર્યો કે, ખેડૂતો પર થતા અન્યાય અને અત્યાચાર સામે હવે વધુ મૌન રહી શકાય તેમ નથી. જો સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો રાજ્યભરમાં ખેડૂતોના સમર્થનમાં મોટા પાયે આંદોલન શરૂ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સાથે લાવવાની જાહેરાત

કીર્તિ પટેલે વધુમાં જણાવ્યું કે, જો આગામી 15 દિવસમાં ખેડૂતોના પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો ગુજરાતના વિવિધ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, યુવાનો અને પોતાના સમર્થકોને સાથે રાખીને ફરીથી કૃષિમંત્રીના કાર્યાલય ખાતે રજૂઆત કરવામાં આવશે. તેણે કહ્યું કે, ખેડૂતોના હકો માટેની આ લડત માત્ર એક આવેદનપત્ર પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ જરૂરી બનશે તો તેને વધુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર પર દબાણ વધારવા માટે સોશિયલ મીડિયા અભિયાન તેમજ મેદાની કાર્યક્રમો પણ યોજવામાં આવી શકે છે.

આ પણ વાંચો: મૃત્યુ પછી પણ હાલાકી, ના સચવાયો મોતનો મલાજો!: વડોદરામાં વરસાદ વચ્ચે ચિતાને બચાવવા સ્વજનો બન્યા ઢાલ

હવે સૌની નજર સરકારના આગામી પગલાં પર

કીર્તિ પટેલના નિવેદન અને અલ્ટીમેટમ બાદ હવે રાજકીય વર્તુળો તેમજ ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી અથવા રાજ્ય સરકાર તરફથી ખેડૂતોના પ્રશ્નોને લઈને કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવે છે કે, નહીં તેના પર સૌની નજર રહેશે. સાથે જ કીર્તિ પટેલ દ્વારા આપવામાં આવેલી 15 દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તેઓ કઈ પ્રકારની કાર્યવાહી કરે છે અને ખેડૂતોના મુદ્દે આ સમગ્ર મામલો કઈ દિશામાં આગળ વધે છે તે પણ મહત્વનું બનશે. હાલ તો તેના નિવેદન અને પડકારજનક શબ્દોએ રાજ્યના રાજકીય અને સોશિયલ મીડિયા ક્ષેત્રે નવી ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now