Big announcement by Gujarat government : ગુજરાતમાં આગામી સમયમાં આવનારા અલ નીનોના સંભવિત પડકારો અને તેની અસરો સામે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, મુખ્યમંત્રીના સલાહકારો અને વિવિધ વિભાગના વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા. સરકાર દ્વારા નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુરક્ષા માટે એક મોટું માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પરિસ્થિતિને સરળતાથી પહોંચી વળાય અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે.
તળાવો અને ડેમ ભરવાનો મોટો નિર્ણય
પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને નર્મદા નેટવર્ક સાથે જોડીને મોટું આયોજન કરાયું છે. મુખ્યમંત્રીએ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે કે પહેલા નર્મદા પાઇપલાઇન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત 3 કિલોમીટર સુધીના વિસ્તારના તળાવો ભરાતા હતા, આ મર્યાદા હવે વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. આ નવા નિર્ણયથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 300થી વધુ તળાવોને નર્મદાના પાણીથી ઝડપથી ભરી દેવાશે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ પીવાના પાણીના જેટલા પણ ડેમ છે તેમાં 30 જૂન સુધીમાં વધુમાં વધુ પાણી પહોંચાડવા માટે નર્મદા અને સિંચાઈ વિભાગને આદેશ અપાયા છે. આ પાણી છોડવાથી નાની મોટી સમસ્યાઓ દૂર થશે અને જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે.
આ પણ ખાસ વાંચો : "...તો હું જીતુ વાઘાણીના પગ ધોઈને પાણી પીશ" : વિવાદોમાં રહેતી TikTok ગર્લ કીર્તિ પટેલનું નિવેદન ચર્ચામાં, જાણો શું છે મામલો
ખેડૂતો માટે એસઓપી અને ટેકનોલોજી
ખેડૂતોને આ પરિસ્થિતિમાં મદદ કરવા માટે કૃષિ વિભાગ દ્વારા ખરીફ 2026 માટે બિયારણ અને ખાતરનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. કૃષિ વિભાગ અને યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોના માર્ગદર્શન માટે એક વિશેષ SOP અને 'આકસ્મિક પાક આયોજન' તૈયાર કરાયું છે. જેમાં ઓછા પાણીમાં થતા ટૂંકા ગાળાના પાકો વિશે વૈજ્ઞાનિક માહિતી અપાશે. સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકની સ્થિતિ પર નજર રખાશે. સાથે જ AI આધારિત 'કૃષિ પ્રગતિ' પોર્ટલના માધ્યમથી 50 લાખથી વધુ ખેડૂતોને સીધા તેમના મોબાઈલ પર લાઈવ હવામાન અને કૃષિ સલાહના SMS મોકલવામાં આવશે.
પશુધન અને ઘાસચારાની આગોતરી વ્યવસ્થા
રાજ્યના પશુઓની સુરક્ષા અને ભવિષ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને પશુપાલન વિભાગને ઘાસચારાનો બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના અપાઈ છે. અત્યારે રાજ્ય સરકાર પાસે પશુઓ માટે 2 વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો સ્ટોક ઉપલબ્ધ છે. આ ઘાસચારો પશુઓને જરૂર પડે ત્યારે તરત જ મળી રહે તે માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.
વહીવટી તંત્રનું 24x7 મોનિટરિંગ અને જૂનો ડેટા
પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે મહેસૂલ વિભાગને તમામ જિલ્લા કલેક્ટરો અને સ્થાનિક તંત્ર સાથે જોડવામાં આવ્યું છે જેથી કોઈ પણ સંજોગોમાં મુશ્કેલી ન પડે અને તંત્ર 24x7 સતર્ક રહે. જીતુ વાઘાણીએ વીડિયો બાઇટમાં જણાવ્યું કે વર્ષ 2000 થી 2026 દરમિયાન એટલે કે ભૂતકાળના 26 વર્ષમાં ગુજરાતમાં 8 વખત ખરીફ અલ નીનો વર્ષ નોંધાયા છે. પરંતુ દરેક અલ નીનો વર્ષ નબળું નથી હોતું. વર્ષ 2006 અને 2023માં અત્યંત તીવ્ર અલ નીનો હોવા છતાં ગુજરાતમાં 117% જેટલો સારો વરસાદ નોંધાયો હતો. તેથી જનતાએ ગભરાવાની કે કોઈ પણ ભ્રામક અફવાઓથી ડરવાની જરૂર નથી.
બેઠકમાં હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓ
આ મહત્વની બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, નર્મદા નિગમના એમડી મુકેશ પૂરી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર સી મીણા, પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસૈન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે અને સલાહકાર એસ એસ રાઠોડ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.





