AMC : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇન નાખવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ કૌભાંડ બહાર આવતા જ શાસક પક્ષ એક્શન મૂડમાં આવ્યો છે અને દોષિત અધિકારીઓ સામે કાયદાકીય કડક પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. જોકે, લોકોમાં આ કામગીરીને 'ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં' મારવા જેવી ગણાવવામાં આવી રહી છે.
કરોડો રૂપિયાની ગેરરીતિ
નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં ખોટા અને નકલી બીલ મુકીને અંદાજે 3.76 કરોડ રૂપિયાનું મહાકૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ભ્રષ્ટાચાર પકડાયા બાદ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કૌભાંડીઓ પાસેથી 1.60 કરોડ રૂપિયાની વસૂલાત (રિકવરી) કરવામાં આવી છે અને બાકીના નાણાં મેળવવા તજવીજ ચાલુ છે.
4 અધિકારીઓ સસ્પેન્ડ
આ કૌભાંડની ગંભીરતાને જોતા AMC દ્વારા કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા 4 જવાબદાર એન્જિનિયરોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં નીચે મુજબના નામ સામેલ છે:
રાજેશ રાઠવા (એડિશનલ સિટી ઇજનેર)
ઉત્કર્ષ ભાભોર (ડેપ્યુટી સિટી ઇજનેર)
રમેશ બારીયા (આસિસ્ટન્ટ સિટી ઇજનેર)
અલ્પેશ મકવાણા (આસિસ્ટન્ટ ઇજનેર)
આ પણ ખાસ વાંચો : અલ નીનોની આશંકા વચ્ચે ગુજરાત સરકારનું મોટું એલાન : 300થી વધુ તળાવો ભરવાનો સરકારનો નિર્ણય
પોલીસ ફરિયાદ અને એસીબી તપાસના આદેશ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ભાજપના ચેરમેન કમલેશ પટેલે વહીવટી તંત્ર સામે અત્યંત આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ સૂચના આપી છે કે, કોઈપણ પ્રકારની શેહશરમ કે પક્ષપાત રાખ્યા વિના આ ચારેય કૌભાંડી અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવે. આ સાથે જ આ સમગ્ર મામલાની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ને સોંપવા માટે પણ કડક આદેશ અપાયા છે.
આવક કરતાં વધુ મિલકતની તપાસ
સ્ટેન્ડિંગ કમિટી માત્ર 1.60 કરોડ રૂપિયા વસૂલ કરીને આ મામલાને દબાવવા માંગતી નથી. ચેરમેન દ્વારા કસૂરવાર અને ભ્રષ્ટ અધિકારીઓની આવક કરતાં વધુ મિલકત (ડિસ્પ્રપોશનેટ એસેટ્સ) અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાના સૂચનો આપવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ અને ભ્રષ્ટ સંપત્તિની તપાસ પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી 3 મહિનાની અંદર જ તેનો વિસ્તૃત અહેવાલ (રિપોર્ટ) કમિટી સમક્ષ રજૂ કરવા વહીવટી પાંખને તાકીદ કરાઈ છે.
આ પણ ખાસ વાંચો : "...તો હું જીતુ વાઘાણીના પગ ધોઈને પાણી પીશ" : વિવાદોમાં રહેતી TikTok ગર્લ કીર્તિ પટેલનું નિવેદન ચર્ચામાં, જાણો શું છે મામલો
સામાન્ય જનતામાં ભારે રોષ
અમદાવાદના સામાન્ય નાગરિકો જો સમયસર મનપાનો ટેક્સ ન ભરે તો તંત્ર દ્વારા વ્યાજ સાથે ખૂબ જ કડક વસૂલાત કરવામાં આવે છે. તેની સામે પોતાના જ કરોડો રૂપિયા ઓળવી જનારા ભ્રષ્ટ અધિકારીઓ પાસેથી રિકવરી કરવામાં તંત્ર હપ્તા પદ્ધતિ અપનાવી રહ્યું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ જ કારણે હવે કમિટીએ કડક વલણ અખત્યાર કરવું પડ્યું છે.
કૌભાંડીઓને જેલ ભેગા કરવાની તૈયારી
ભવિષ્યમાં મનપાનો અન્ય કોઈ પણ અધિકારી કે કર્મચારી પ્રજાના ટેક્સના નાણાંમાં આવો મોટો ભ્રષ્ટાચાર કરવાનું સાહસ ન કરે તે માટે કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની વહીવટી સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવેલા આદેશોનું ચુસ્તપણે પાલન કરીને ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ પોલીસ મથકે સત્તાવાર ગુનો નોંધાવવાની કાયદાકીય પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જેથી ટૂંક સમયમાં જ તમામ ગુનેગારોની ધરપકડના એંધાણ વર્તાઈ રહ્યા છે.




