Home Gujarat Ahmedabad Arjun Modhwadia Visits Tata Semiconductor Plant Dholera Sir Gujarat

ધોલેરામાં બની રહ્યો છે ભારતનો ટેકનોલોજી ગેમચેન્જર પ્રોજેક્ટ : મંત્રી અર્જુન મોઢવાડિયાએ લીધી મુલાકાત, TATAની ટીમ સાથે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક

Dholera Tata Semiconductor Plant Arjun Modhwadia Visit
Published by: Nirali Gohil
Last Updated: Jun 18, 2026, 10:24 AM IST

Dholera Tata Semiconductor Plant Arjun Modhwadia Visit: ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)માં આકાર લઈ રહેલો ટાટા ઇલેક્ટ્રોનિક્સનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ દેશના ઔદ્યોગિક અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. ભારતને સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રગતિ જાણવા માટે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ પ્લાન્ટ સાઇટ પર પહોંચી હાલ ચાલી રહેલા બાંધકામ, આધુનિક ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ તબક્કાની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને આગામી સમયમાં પ્લાન્ટ ક્યારે કાર્યરત બનશે તે અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી.

ટાટાની ટીમ સાથે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક

મુલાકાત દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધિકારીઓ, મેનેજમેન્ટ ટીમ અને એન્જિનિયરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં પ્રોજેક્ટની પ્રગતિ, ટેક્નિકલ તૈયારીઓ, ભવિષ્યના આયોજન અને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ પ્રોજેક્ટની કામગીરીને લઈને સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધોલેરામાં ઊભો થઈ રહેલો આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપશે.

રોજગારી અને આર્થિક વિકાસને મળશે ગતિ

અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માત્ર ટેક્નોલોજી ક્ષેત્ર માટે જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. પ્લાન્ટ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. તેમણે ઉમેર્યું કે, ધોલેરા અને આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે, જેના કારણે સ્થાનિક યુવાનો માટે રોજગારી અને કૌશલ્ય વિકાસની નવી તકો સર્જાશે.

ભારતના સેમીકન્ડક્ટર મિશન માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ

ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સ્થાપિત થઈ રહેલો આ પ્લાન્ટ ભારત સરકારના સેમીકન્ડક્ટર મિશનનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. વૈશ્વિક સ્તરે સેમીકન્ડક્ટરની વધતી માંગ વચ્ચે ભારતને આ ક્ષેત્રમાં ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે આ પ્રોજેક્ટ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સની ટીમે પણ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે વિશ્વસ્તરીય ધોરણો સાથે પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના CEO અને MD ડૉ. રણધીર ઠાકુર, કંપનીની મેનેજમેન્ટ ટીમ, એન્જિનિયરો તેમજ તાલુકા અને જિલ્લા સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ધોલેરામાં બની રહેલો આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે, તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now