Home Gujarat Ahmedabad Pm Modi 12 Years Achievements Bjp Ahmedabad Media Conference

'જે ક્યારેય વિચાર્યું ન હતું તે પણ થયું' : મોદી સરકારના 12 વર્ષ પર ઋષિકેશ પટેલનું નિવેદન

PM Modi 12 Years Rishikesh Patel
Published by: Nirali Gohil
Last Updated: Jun 18, 2026, 06:39 AM IST

BJP Ahmedabad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ' અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેર ભાજપ દ્વારા મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્ર સરકારના છેલ્લા 12 વર્ષના વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના પરિવર્તનની સફર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ તેમજ ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકારના 12 વર્ષના કાર્યકાળને વિકાસ અને સુશાસનનો સમય ગણાવ્યો હતો.

'12 વર્ષમાં દેશે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી'

મીડિયા સંવાદ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને જે દિશા બતાવી હતી, તે દિશામાં દેશ કેટલો આગળ વધ્યો છે તેનો આ સમયગાળો મૂલ્યાંકન કરવાનો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 12 વર્ષ પૂર્ણ કરીને હવે 13મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આ સમયગાળા દરમિયાન અનેક એવા કાર્યો થયા છે જેની અગાઉ કલ્પના પણ કરવામાં આવી નહોતી. તેમણે જણાવ્યું કે,કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના ન્યૂ રાણીપમાં મોટી દુર્ઘટના: NEETની પરીક્ષાના 3 દિવસ પહેલા NEETની તૈયારી કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ ટૂંકાવી જિંદગી

જનધનથી આયુષ્માન સુધીની યોજનાઓનો ઉલ્લેખ

ઋષિકેશ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી હતી. તેમણે કહ્યું કે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે જનધન યોજના હેઠળ કરોડો બેંક ખાતા ખોલવામાં આવ્યા, જેના કારણે દેશના ગરીબ વર્ગને બેંકિંગ વ્યવસ્થાનો સીધો લાભ મળ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં શરૂ થયેલી મા વાત્સલ્ય યોજના આજે સમગ્ર દેશમાં આયુષ્માન ભારત યોજનાના સ્વરૂપે અમલમાં છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 60 કરોડ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવ્યા છે, જેના કારણે લાખો પરિવારોને આરોગ્ય સુરક્ષાનો લાભ મળી રહ્યો છે.

કરોડો લોકોને મળ્યો આવાસ અને વીમા સુરક્ષા કવચ

કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે વાત કરતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે દેશભરમાં 58 કરોડથી વધુ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ વીમા સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 4 કરોડ લોકોને ઘર આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં વધુ 3 કરોડ પરિવારોને આવાસનો લાભ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેથી દરેક નાગરિકને પક્કું ઘર મળી શકે.

આ પણ વાંચો: નવજીવનની રાહ જોતા પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ: ડિલિવરી સમયે જ પ્રસૂતા અને બાળકના મોતથી આક્રંદ

મધ્યમ વર્ગને પણ મળ્યો મોટો લાભ

મધ્યમ વર્ગ માટે લેવામાં આવેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે આવકવેરા સંબંધિત મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. અગાઉ 2 લાખ રૂપિયાની આવક મર્યાદાને વધારીને 12 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે, જેના કારણે મધ્યમ વર્ગના લાખો પરિવારોને સીધો લાભ મળ્યો છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે ગરીબ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને વિકાસની નીતિઓ અમલમાં મૂકી છે, જેના પરિણામે દેશ આજે વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવી રહ્યો છે.

વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડશે ભાજપ

ભાજપ દ્વારા શરૂ કરાયેલા 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ' અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો અને જનસંપર્ક અભિયાનો યોજાશે. પાર્ટી કાર્યકરો કેન્દ્ર સરકારની 12 વર્ષની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડશે અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સંપર્ક કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now