Home Gujarat Ahmedabad Bj Medical College Ahmedabad Ragging Case 3 Students Suspended

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી : ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

Ahmedabad BJ Medical College Ragging Case
Image Credit: bookuradmission.com
Published by: Nirali Gohil
Last Updated: Jun 18, 2026, 10:55 AM IST

Ahmedabad BJ Medical College Ragging Case: અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે તંત્રએ કડક વલણ અપનાવતાં ત્રણ વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામે માનસિક અને શારીરિક સતામણીના આક્ષેપોની તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતાં એન્ટી-રેગિંગ કમિટીએ કડક પગલાં લેવાની ભલામણ કરી હતી. સરકારની મંજૂરી મળ્યા બાદ હવે એક વિદ્યાર્થીને એક વર્ષ માટે અને બે વિદ્યાર્થીઓને 6-6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેડિકલ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ લેવામાં આવેલી આ કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને 2022 બાદ ફરી એકવાર ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગનો મામલો સામે આવતાં કોલેજ પ્રશાસન પણ સતર્ક બન્યું છે.

અનામી ઈ-મેઈલ ફરિયાદ બાદ શરૂ થઈ તપાસ

મળતી માહિતી મુજબ, 1 જૂનના રોજ કોલેજ તંત્રને એક અનામી ઈ-મેઈલ દ્વારા રેગિંગની ફરિયાદ મળી હતી. ફરિયાદ મળતાની સાથે જ એન્ટી-રેગિંગ કમિટીએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સંબંધિત વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોના નિવેદનો લેવામાં આવ્યા હતા. કમિટીએ ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી અને વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કર્યું હતું.

તપાસમાં મળ્યા હેરેસમેન્ટના પુરાવા

એન્ટી-રેગિંગ કમિટીની તપાસમાં વિદ્યાર્થીઓ સાથે માનસિક અને શારીરિક હેરેસમેન્ટ થયાના પુરાવા સામે આવ્યા હતા. કમિટીએ આ મામલાને ગંભીર ગણાવી દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ માત્ર 24 કલાકની અંદર સમગ્ર રિપોર્ટ નેશનલ મેડિકલ કમિશન (NMC)ને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: "રેગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ માટે કોઈ સ્થાન નથી" : ગુજરાતની ટોપ મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે પ્રફુલ પાનસેરિયાનું નિવેદન

3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

તપાસના આધારે ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનની સજા ફટકારવામાં આવી છે. જેમાં એક વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને છ-છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર તરફથી પણ આ સસ્પેન્શનને બહાલી આપવામાં આવી છે, જેના કારણે હવે આ કાર્યવાહી સત્તાવાર રીતે અમલમાં આવી ગઈ છે.

2022 બાદ ફરી સામે આવ્યો રેગિંગનો બનાવ

બી.જે. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં 2022 બાદ ફરી એકવાર રેગિંગનો મામલો સામે આવતા સંસ્થાની છબીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કોલેજના ડીન દ્વારા પણ રેગિંગ જેવી ઘટનાઓથી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતું હોવાનું જણાવાયું છે. મેડિકલ કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં આવા બનાવો ન બને તે માટે હવે વધુ કડક મોનિટરિંગ વ્યવસ્થા અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 'મને ફસાવવામાં આવી રહી છે' : રાજકોટના ચર્ચિત કેસમાં અનિશાનો પલટવાર, નિવેદન બાદ પોલીસે ઝડપી

હવે દર મહિને થશે મોનિટરિંગ

ભવિષ્યમાં રેગિંગ જેવી કોઈ ઘટના ફરી ન બને તે માટે કોલેજ તંત્રએ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. હવે દર મહિને રેસિડેન્ટ ડોક્ટરો અને વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ ડીન ઓફિસમાં મોકલવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત નિયમિત મોનિટરિંગ અને રિપોર્ટિંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. બી.જે. મેડિકલ કોલેજમાં લેવામાં આવેલી આ કાર્યવાહી રાજ્યની અન્ય મેડિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ એક કડક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે કે રેગિંગ જેવી પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now