Bhavnagar Medical College Ragging Case: ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો એક ગંભીર મામલો સામે આવતા શૈક્ષણિક વર્તુળોમાં ચિંતા ફેલાઈ છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓ દ્વારા અનામી રીતે કરવામાં આવેલી લેખિત રજૂઆત બાદ કોલેજ તંત્ર અને એન્ટી-રેગિંગ કમિટી હરકતમાં આવી છે. ફરિયાદમાં બીજા વર્ષના કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની રેગિંગ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
6 સિનિયર વિદ્યાર્થીઓ સામે આક્ષેપ
મળતી માહિતી મુજબ ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે આ વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે અલગ-અલગ રીતે રેગિંગ કરી હતી. રેગિંગની ઘટના અંગે લેખિત રજૂઆત મળતાં જ કોલેજ તંત્ર દ્વારા મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. એન્ટી-રેગિંગ કમિટી ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા તપાસી રહી છે.
આ પણ વાંચો: 'ન્યાય નહીં તો અન્નજળ ત્યાગીશું' : વળતરની માંગ સાથે જેતપરમાં ખેડૂતોનાં આમરણાંત ઉપવાસ
રાજ્ય સરકાર પણ બની સક્રિય
આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ગંભીર નોંધ લીધી છે. તેમણે જણાવ્યું કે ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેમણે મેડિકલ કોલેજના ડીન અને એન્ટી-રેગિંગ કમિટીને સમગ્ર મામલે વિગતવાર અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. સાથે જ ફરિયાદની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે.
'રેગિંગ માટે રાજ્યમાં કોઈ સ્થાન નથી'
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં શિસ્ત, સંસ્કાર અને વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્યમાં રેગિંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ માટે કોઈ સ્થાન નથી અને આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે, તપાસમાં જે કોઈ દોષિત સાબિત થશે તેની સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
તપાસ બાદ થશે આગળની કાર્યવાહી
હાલ એન્ટી-રેગિંગ કમિટી દ્વારા ફરિયાદના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના નિવેદનો, ઉપલબ્ધ પુરાવા અને અન્ય સંબંધિત વિગતોના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
તપાસ પૂર્ણ થયા બાદ દોષિત વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી સહિત અન્ય કાનૂની પગલાં પણ લેવામાં આવી શકે છે. આ ઘટનાએ ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ સામે કડક અમલ અને જાગૃતિની જરૂરિયાતને ઉજાગર કરી છે.





