International Yoga Day Gujarat 2026: આવતી 21 જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ગુજરાતમાં વ્યાપક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર, યોગ બોર્ડ, વિવિધ સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક તંત્રના સહયોગથી સમગ્ર રાજ્યમાં યોગને જનઆંદોલન બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ વર્ષે 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ હેઠળ યોજાનારા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં 12 જૂનથી જ વિવિધ કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે. યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને ઉત્સાહને કારણે આ વર્ષે સવા કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે રાજ્ય માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.
માનસામાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, અમદાવાદમાં યોગ કરશે અમિત શાહ
રાજ્ય કક્ષાનો મુખ્ય યોગ દિવસ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લાના માનસા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ, સામાજિક સંસ્થાઓ અને સરકારી પ્રતિનિધિઓ ભાગ લેશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આયોજિત વિશેષ યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. રાજ્ય સરકાર દ્વારા યોગ દિવસને વધુ વ્યાપક બનાવવા વિવિધ ક્ષેત્રના લોકો અને સંસ્થાઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ઊંઝા નગરપાલિકામાં રાજકીય ઉલટફેર: : માત્ર 1 જ મહિનામાં કારોબારી ચેરમેન બદલાયા, જાણો કોને સોંપાઈ જવાબદારી
રાજ્યભરમાં 24 હજારથી વધુ કાર્યક્રમોનું આયોજન
હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં યોગ દિવસને લઈને અંદાજે 24 હજારથી વધુ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં 10થી વધુ મોટા યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લા કક્ષાએ વિશેષ કાર્યક્રમો યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી કર્મચારીઓ અને વિવિધ સામાજિક સંગઠનો જોડાશે. જિલ્લા કલેક્ટરોને પણ સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરીને વધુમાં વધુ લોકો સુધી યોગનો સંદેશ પહોંચાડવા સૂચના આપવામાં આવી છે.
યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ પર રહેશે ભાર
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય હેતુ વધતી ઉંમર સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં યોગની ભૂમિકાને પ્રોત્સાહન આપવાનો છે.
યોગ બોર્ડ અને વિવિધ સામાજિક સંસ્થાઓ મળીને લોકોને યોગના લાભો વિશે જાગૃત કરશે અને નિયમિત યોગાભ્યાસ માટે પ્રેરિત કરશે.
આ પણ વાંચો: વડોદરાના રસ્તા પર દહેશત : જુની અદાવતમાં ચપ્પુ અને ડંડાથી યુવક પર હુમલો, ફેલાયો ભયનો માહોલ
યોગ શિક્ષકોની માંગમાં નોંધપાત્ર વધારો
યોગ પ્રત્યે લોકોના વધતા રસને કારણે યોગ શિક્ષકોની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે યોગ શિક્ષકોને સારા વેતન સાથે રોજગારીની નવી તકો મળી રહી છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે આશરે 5 હજાર જેટલી સમિતિઓ કાર્યરત છે, જે વિવિધ સ્તરે યોગ કાર્યક્રમો અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરી રહી છે.
સ્વસ્થ ગુજરાત તરફ એક વધુ પગલું
રાજ્ય સરકારનું માનવું છે કે યોગ માત્ર એક દિવસની ઉજવણી નહીં પરંતુ સ્વસ્થ જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ છે. તેથી યોગ દિવસના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ લોકોને નિયમિત યોગાભ્યાસ તરફ પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે રાજ્યભરમાં યોજાનારા વિશાળ કાર્યક્રમો અને રેકોર્ડબ્રેક રજીસ્ટ્રેશનને જોતા યોગ દિવસ ગુજરાતમાં એક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






