NEET Special Train: રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET-2026)ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ માટે વિશેષ વ્યવસ્થા જાહેર કરી છે. પરીક્ષા દરમિયાન વધતા મુસાફરોના ભારને પહોંચી વળવા તેમજ ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાંથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થશે. ખાસ કરીને અમદાવાદ, ભાવનગર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી મુસાફરી કરતા વિદ્યાર્થીઓને સીધી કનેક્ટિવિટી મળતા મુસાફરી વધુ સરળ બનશે.
મણિનગર-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09472/09471 મણિનગર-બાંદ્રા ટર્મિનસ-મણિનગર સ્પેશિયલ ટ્રેનના બે ફેરા ચલાવવામાં આવશે. 20 જૂન 2026ના રોજ મણિનગરથી સવારે 8:30 વાગ્યે ઉપડનારી આ ટ્રેન સાંજે 6:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. પરત ફરતી ટ્રેન 20 જૂનના રોજ રાત્રે 9:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડી 21 જૂનના રોજ સવારે 6:00 વાગ્યે મણિનગર પહોંચશે. આ ટ્રેન આણંદ, વિશ્વામિત્રી, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સહિતના મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાશે.
આ પણ વાંચો: અમદાવાદથી નવસારી ટ્રેનમાં પહોંચ્યા રાજ્યપાલ : સરકારી વાહનો છોડી અપનાવ્યું જાહેર પરિવહન
ઓખા-ગાંધીનગર કેપિટલ વચ્ચે પણ મળશે વિશેષ સેવા
ટ્રેન નંબર 09554/09553 ઓખા-ગાંધીનગર કેપિટલ-ઓખા સ્પેશિયલ ટ્રેન પણ બે ફેરા કરશે. 20 જૂનના રોજ સવારે 5:00 વાગ્યે ઓખાથી ઉપડનારી ટ્રેન બપોરે 3:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. જ્યારે પરત ફરતી ટ્રેન 21 જૂનના રોજ રાત્રે 8:55 વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડી 22 જૂનના રોજ સવારે 6:40 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ સહિતના અનેક સ્ટેશનો પર રોકાશે.
ભાવનગરથી ગાંધીગ્રામ માટે પણ સ્પેશિયલ ટ્રેન
ભાવનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા પરીક્ષાર્થીઓ માટે ટ્રેન નંબર 09254/09253 ભાવનગર ટર્મિનસ-ગાંધીગ્રામ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. 20 જૂનના રોજ ભાવનગર ટર્મિનસથી સવારે 11:40 વાગ્યે ઉપડનારી ટ્રેન સાંજે 4:10 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. જ્યારે પરત ફરતી ટ્રેન 21 જૂનના રોજ રાત્રે 8:00 વાગ્યે ગાંધીગ્રામથી ઉપડી 22 જૂનના રોજ વહેલી સવારે 12:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સહિતના સ્ટેશનો પર રોકાશે.
આ પણ વાંચો: વૈશ્વિક બજારમાં મધ્ય ગુજરાતનો ડંકો : રૂ. 1.74 લાખ કરોડની નિકાસ સાથે બન્યું રોકાણ અને ઉદ્યોગનું પાવરહાઉસ
સ્લીપર અને જનરલ કોચની સુવિધા, ક્યારે શરૂ થશે બુકિંગ?
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર ત્રણેય સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરો માટે સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને અનુકૂળ મુસાફરીનો લાભ મળી શકે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09472/09471, 09554/09553 અને 09254/09253 માટેનું બુકિંગ 19 જૂન 2026થી શરૂ કરવામાં આવશે. મુસાફરો તમામ PRS કાઉન્ટર તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ મારફતે ટિકિટ બુક કરાવી શકશે. ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી ભારતીય રેલવેની સત્તાવાર પૂછપરછ વેબસાઇટ પરથી પણ મેળવી શકાશે. NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષા દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થા હજારો વિદ્યાર્થીઓ માટે મોટી રાહત સાબિત થવાની અપેક્ષા છે.




