ગાંધીનગર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં મધ્ય ગુજરાત પ્રદેશ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ, કેમિકલ્સ, ઓટોમોબાઇલ અને અદ્યતન ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોની મજબૂત હાજરીના કારણે મધ્ય ગુજરાત આજે માત્ર રાજ્યનું જ નહીં, પરંતુ દેશના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાં સ્થાન મેળવી રહ્યું છે. આ જ વિકાસગાથાને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે આગામી 29 અને 30 જૂન, 2026 દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – મધ્ય ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ મધ્ય ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ, વૈશ્વિક નિકાસ શક્તિ અને રોકાણ માટેની વિશાળ તકોને દેશ-વિદેશના ઉદ્યોગકારો અને રોકાણકારો સમક્ષ રજૂ કરવાનો છે. સાથે સાથે સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવા અને નવા રોકાણોને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
નિકાસ ક્ષેત્રે મધ્ય ગુજરાતનો પ્રભાવશાળી દેખાવ
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મધ્ય ગુજરાતે વિશ્વના 210થી વધુ દેશોમાં આશરે રૂ. 1.74 લાખ કરોડના ઉત્પાદનોની નિકાસ કરીને પોતાની વૈશ્વિક વ્યાપારી ક્ષમતાનો પરિચય આપ્યો છે. આ આંકડો માત્ર વેપારની દૃષ્ટિએ જ નહીં પરંતુ પ્રદેશના ઔદ્યોગિક માળખાની મજબૂતાઈ પણ દર્શાવે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ મધ્ય ગુજરાત માટે સૌથી મહત્વપૂર્ણ નિકાસ બજારોમાંનું એક રહ્યું છે, જ્યાં રૂ. 41,346 કરોડથી વધુની નિકાસ નોંધાઈ છે. આ ઉપરાંત યુરોપ, મધ્ય પૂર્વ, એશિયા અને આફ્રિકાના અનેક દેશોમાં પણ મધ્ય ગુજરાતના ઉત્પાદનોની નોંધપાત્ર માંગ જોવા મળી રહી છે.
ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર નિકાસમાં સૌથી આગળ રહ્યું છે. અંદાજે રૂ. 31,061 કરોડની નિકાસ સાથે દવાઓ અને આરોગ્યસંબંધિત ઉત્પાદનો વૈશ્વિક બજારમાં મધ્ય ગુજરાતની ઓળખ મજબૂત બનાવી રહ્યા છે. ભારે મશીનરી અને યાંત્રિક સાધનોની રૂ. 23,585 કરોડ, ઇલેક્ટ્રિકલ મશીનરીની રૂ. 15,124 કરોડ, રોડ વાહનો અને તેના પાર્ટ્સની રૂ. 12,418 કરોડ તથા ઓર્ગેનિક કેમિકલ્સની રૂ. 12,248 કરોડની નિકાસ નોંધાઈ છે.
અમદાવાદ અને વડોદરા બન્યા વિકાસના મુખ્ય એન્જિન
જિલ્લાવાર નિકાસમાં અમદાવાદ સૌથી આગળ રહ્યું છે. આશરે રૂ. 97,752 કરોડની નિકાસ સાથે પ્રદેશની કુલ નિકાસમાં અમદાવાદનો હિસ્સો 56 ટકા જેટલો નોંધાયો છે. ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અમદાવાદની મજબૂત સ્થિતિ તેને પ્રદેશનું આર્થિક એન્જિન બનાવે છે.
વડોદરાએ રૂ. 41,765 કરોડની નિકાસ સાથે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદનમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ગાંધીનગરે રૂ. 13,366 કરોડની નિકાસ કરીને પ્લાસ્ટિક, કપાસ અને સ્ટીલ આધારિત ઉત્પાદનોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
પંચમહાલ, આણંદ, ખેડા, નર્મદા, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓ પણ પોતાના વિશિષ્ટ ઉત્પાદનો દ્વારા નિકાસ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ખાસ કરીને કૃષિ આધારિત ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ અને રસાયણ ઉદ્યોગના કારણે આ જિલ્લાઓ વૈશ્વિક બજારમાં સ્થાન બનાવી રહ્યા છે.
ભવિષ્યના ઉદ્યોગોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે પ્રદેશ
મધ્ય ગુજરાત માત્ર પરંપરાગત ઉદ્યોગો સુધી મર્યાદિત નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ, ડિફેન્સ ઉત્પાદન અને ગ્રીન એનર્જી જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં પણ મોટા પાયે રોકાણો આકર્ષાઈ રહ્યા છે.
રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ અને અનુકૂળ વ્યવસાયિક વાતાવરણના કારણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ મધ્ય ગુજરાત તરફ આકર્ષાઈ રહી છે. VGRC 2026 આ ઉભરતા ક્ષેત્રોમાં નવા રોકાણોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વિકાસને મળ્યો વેગ
મધ્ય ગુજરાતની સફળતા પાછળ તેનું મજબૂત લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી નેટવર્ક પણ મુખ્ય કારણ છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC)નો મહત્વપૂર્ણ ભાગ આ પ્રદેશમાંથી પસાર થાય છે, જેના કારણે ઉદ્યોગોને દેશ અને વિદેશના બજારો સુધી ઝડપી પહોંચ મળી રહી છે.
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) અને માંડલ-બેચરાજી SIR જેવા મેગા પ્રોજેક્ટ્સ પ્રદેશના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. ઉપરાંત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા ઔદ્યોગિક કેન્દ્રો બંદરો સાથે સીધા જોડાયા છે, જેનાથી નિકાસ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બની છે.
આ પણ વાંચો: નર્મદા ભાજપમાં ઘમાસાણ : ધારાસભ્યના બળવાખોર વલણ બાદ દર્શનાબેન, મનસુખ વસાવા, નીલ રાવને કમલમનું તેડું
VGRC 2026 બનશે વિકાસનો નવો મંચ
VGRC 2026 માત્ર એક કોન્ફરન્સ નહીં પરંતુ મધ્ય ગુજરાતના આગામી વિકાસ માટેનું વ્યૂહાત્મક પ્લેટફોર્મ સાબિત થશે. આ કાર્યક્રમમાં MSME, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને નીતિનિર્માતાઓ વચ્ચે સીધી ચર્ચા અને ભાગીદારીની તકો ઊભી થશે.
રાજ્ય સરકારનો ઉદ્દેશ મધ્ય ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન, નિકાસ અને નવીનતાના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાનો છે. રૂ. 1.74 લાખ કરોડની નિકાસ અને ઝડપી ઔદ્યોગિક વિકાસ સાથે મધ્ય ગુજરાત આજે માત્ર ગુજરાતના વિકાસનો આધારસ્તંભ નથી, પરંતુ ભારતના વૈશ્વિક આર્થિક નકશા પર ઊભરતું શક્તિશાળી કેન્દ્ર બની રહ્યું છે.





