છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના નર્મદા જિલ્લામાં ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. જેને હવે પાર્ટી હાઈકમાન્ડે હાથમાં લેતા મમલો ઠાળે પડ્યો છે. બળવાખોર બનેલા ભાજપના ધારાસભ્ય, તેમજ ભરૂચના સાંસદ અને નર્મદાના જિલ્લા પ્રમુખ વચ્ચેના આંતરિક વિખવાદ બાદ આખરે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદિશ વિશ્વકર્માએ ભાજપને એક પરિવાર સાથે સરખાવીને સબસલામત હોવાની વાત મીડિયા સમક્ષ કરી છે. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ વચ્ચેના મતભેદો વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદિશ વિશ્વકર્માને નર્મદા જિલ્લાના વિવાદ અંગે મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું છેકે, ભાજપ એક ખુબ મોટો પરિવાર છે, જેમાં બધા કાર્યકરો સાથે મળીને કામ કરતા હોય છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છેકે, જો કદાચ કોઈ વિવાદનો વિષય હોય તો આ અંગે પાર્ટી ટેક કેર કરતી હોય છે. ભાજપ પરિવાર સાથે જોડાયેલ પાર્ટી છે. અમે ભાજપને પોતાનો પરિવાર જ માનીએ છીએ. ક્યાંક કોઈક વિષયને લઇને કોઈ પણ કાર્યકર્તાઓમાં નાનું-મોટું મનદુઃખ હશે તો તે દૂર કરાશે.
ઉલ્લેખનીય છેકે, લાંબા સમયથી ગુજરાતના નર્મદા જિલ્લામાં ભાજપમાં આંતરિક અસંતોષની આગ ભભુકી રહી છે. એ મામલો ત્યારે વધારે ભડક્યો જ્યારે હાલમાં જ રાજપીપળા ખાતેના એક કાર્યક્રમમાં નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો.દર્શનનાબેન દેશમુખે નારાજ થઇને ઓકઆઉટ કરતા રાજકારણ ગરમાયું હતું. જેમાં તેમણે કાર્યક્રમ દરમિયાન પોતાના ધારાસભ્ય તરીકેના પ્રોટોકોલનો ભંગ થયો હોવાનું અને વારંવાર આવા કાર્યક્રમમાં બોલાવીને અપમાન કરાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે આખા મામલાને આદિવાસી સમાજનું અપમાન ગણાવીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જેને કારણે આ મામલો માત્ર રાજકીય ન રહી જતા સામાજીક વિખવાદ ઉભો થાય એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દો માત્ર તેમના વ્યક્તિગત અપમાનનો નથી, પરંતુ જનતાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિના પદની અવગણના સમાન છે. આક્ષેપો સાથે તેમણે કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી દીધો હતો, જેના કારણે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.
આ પણ વાંચોઃ નર્મદા ભાજપમાં ઘમાસાણ : ધારાસભ્યના બળવાખોર વલણ બાદ દર્શનાબેન, મનસુખ વસાવા, નીલ રાવને કમલમનું તેડું
પ્રોટોકોલના મુદ્દે શરૂ થયો વિવાદ
રાજપીપળામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ વનમંત્રી ગણપત વસાવા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય તરીકે તેમને મળવું જોઈએ તેવું સન્માન અને પ્રોટોકોલ આપવામાં આવ્યું નહોતું. વોકઆઉટ બાદ ડૉ. દર્શનાબેન સીધા રાજપીપળાના ગાંધી ચોક વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં ધરણા પર બેસી ગયા હતા. તેમણે જાહેરમાં એવી પણ ચીમકી આપી હતી કે જો તેમની સાથે થઈ રહેલી અવગણના અંગે યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ સંગઠન તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાનો વિચાર કરી શકે છે.
જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો
ધરણા દરમિયાન ધારાસભ્યએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે અને સંગઠનમાં મનપસંદ લોકોને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ડૉ. દર્શનાબેનનો આક્ષેપ હતો કે સંગઠનની આ પ્રકારની કાર્યશૈલીના કારણે પક્ષને ચૂંટણીમાં પણ નુકસાન ભોગવવું પડ્યું છે. તેમણે સંગઠનમાં પારદર્શિતા અને સમાનતા જળવાય તે માટે પ્રદેશ નેતૃત્વે હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી માંગ પણ કરી હતી. આ નિવેદનો બાદ નર્મદા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક મતભેદો ખુલ્લેઆમ સામે આવી ગયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગઈ હતી.
સાંસદની એન્ટ્રીથી વધુ વકર્યો વિવાદઃ
ધારાસભ્યના ધરણાને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં તેમનું સમર્થન કર્યું. મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ માત્ર એક ધારાસભ્યનું નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી હતી. સાંસદે ચૂંટણી દરમિયાન પોતાના પર હુમલાનો પ્રયાસ થયો હોવાના મુદ્દે પણ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. જેના કારણે સમગ્ર વિવાદ વધુ ગંભીર બન્યો હતો. સાંસદના નિવેદનો બાદ રાજકીય નિરીક્ષકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે નર્મદા ભાજપમાં આંતરિક અસંતોષ હવે જાહેર મંચ સુધી પહોંચી ગયો છે અને પક્ષ માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે.
નર્મદા ભાજપના જિલ્લા પ્રમુખે શું કહ્યું?
બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે સમગ્ર ઘટનાને ગેરસમજનું પરિણામ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમનું આયોજન અને વક્તાઓની યાદી કેન્દ્રિય સ્તરે નક્કી કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ પ્રોટોકોલ અનુસાર જ યોજાયો હતો. નીલ રાવે જણાવ્યું હતું કે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને અવગણવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. તેમણે સ્વીકાર્યું હતું કે સાંસદ મનસુખ વસાવાની લાગણી હતી કે ધારાસભ્યને પણ સંબોધન કરવાની તક મળવી જોઈએ, પરંતુ કોઈ કારણસર ગેરસમજ સર્જાઈ ગઈ છે.
નર્મદા ભાજપમાં ચાલતા વિખવાદ મુદ્દે ધારાસભ્યના બળવાખોર વલણ બાદ ડો.દર્શનાબેન, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિતનાં નેતાઓને કમલમનું તેડું આવ્યું હતું. જોકે, આજે સમગ્ર મામલે ખુદ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદિશ વિશ્વકર્માએ સમગ્ર મામલે એક નિવેદન આપીને આખા વિખવાદનો છેડ ઉડાડી દીધો છે. અને કહી દીધું છેકે, ભાજપ એક પરિવાર છે અને કોઇ વિવાદ જેવી વાત નથી. રાજકીય વિશ્લેષકોના મતે નર્મદા જિલ્લામાં ભાજપની અંદર રહેલો અસંતોષ સંપૂર્ણપણે સમાપ્ત થયો છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ પ્રદેશ નેતૃત્વના હસ્તક્ષેપ બાદ હાલ માટે વિવાદને શાંત કરવાનો પ્રયાસ સફળ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.






