Lion Attack Video: ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલામાં તાજેતરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં સિંહે એક પરપ્રાંતીય યુવક પર હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ગત 15 જૂનની મોડી રાત્રે સિંહે એક યુવકને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ કાળજું કંપાવી દેનારી ઘટના બાદ હાલમાં સોશિયલ મીડિયા પર બે અલગ-અલગ વીડિયો સામે આવ્યા છે, જે વન વિભાગ અને સ્થાનિક પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે. ઘટનાના કેટલાક દિવસો બાદ સામે આવેલા બે અલગ-અલગ વીડિયોએ સમગ્ર મામલાને વધુ ગંભીર અને રહસ્યમય બનાવી દીધો છે.
ટ્રક ચાલકે હેડલાઈટ ચાલુ રાખી લાઈવ દ્રશ્ય જોયું
સામે આવેલા પ્રથમ વીડિયોમાં એક અત્યંત ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. જ્યારે સિંહ યુવક પર હુમલો કરીને તેનો શિકાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતો એક ટ્રક ચાલક પોતાના વાહનની હેડલાઈટો ચાલુ રાખીને ઊભો રહી ગયો હતો. આ ચાલક સતત એક કલાક સુધી આ ભયાનક દ્રશ્ય લાઈવ જોતો રહ્યો હોવાનું વીડિયોમાં જણાય છે. સિંહ જ્યારે શિકાર પ્રક્રિયા પૂર્ણ કરી ત્યાંથી દૂર ગયો, ત્યારે જ આ ટ્રક ચાલક પણ પોતાના વાહન સાથે ત્યાંથી રવાના થયો હતો. સામે આવેલા એક વીડિયોમાં સિંહ શિકાર બાદ ભક્ષણ કરતો જોવા મળે છે. વીડિયો ઉતારનાર વ્યક્તિને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે સિંહ કોઈ પશુનું મારણ કરી રહ્યો છે. બાદમાં જાણવા મળ્યું કે તે માનવ શિકાર હતો. આ ઘટનાએ સ્થાનિકો સહિત સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાવી છે.
આ પણ વાંચોઃ અમરેલી બાદ મહુવામાં સિંહનો આતંક : શ્રમિક યુવકને ફાડી ખાધો, ઝાડીઓમાંથી માત્ર વિકૃત માથું અને કપડાં મળ્યાં!
સિંહની મિજબાનીનો બીજો વીડિયો
બીજી તરફ સામે આવેલા અન્ય એક વીડિયોમાં સિંહ શિકાર કર્યા બાદ મિજબાની માણી રહ્યો હોવાનું દેખાય છે. આ વીડિયો ત્યાંથી પસાર થતાં કોઈ અન્ય વાહન ચાલકે ઉતાર્યો હતો. જો કે, વીડિયો શૂટ કરનાર વ્યક્તિને પણ એ વાતનો બિલકુલ અંદાજ ન હતો કે સિંહ કોઈ પશુનો નહીં પરંતુ એક ઇન્સાનનો શિકાર કરીને બેઠો છે.
બે કલાકનો રહસ્યમય સમયગાળો
વન વિભાગની તપાસમાં એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે. મૃતક યુવક રાત્રે લગભગ 1 વાગ્યે એક ખાનગી કંપની નજીક આવેલા પાનના ગલ્લે જોવા મળ્યો હતો. જ્યારે સિંહ હુમલાની ઘટના આશરે 3 વાગ્યે બની હોવાનું માનવામાં આવે છે. પાનના ગલ્લા અને ઘટનાસ્થળ વચ્ચેનું અંતર માત્ર 500 મીટર જેટલું છે. અર્થાત્, આ બે કલાક દરમિયાન યુવક ક્યાં હતો, શું કરી રહ્યો હતો અને તે ઘટનાસ્થળ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. તપાસ એજન્સીઓ આ સમયગાળાને સમગ્ર ઘટનાની કડી તરીકે જોઈ રહી છે.
આ ઉપરાંત ઘટનાસ્થળ નજીક યુવકની બેગ વ્યવસ્થિત રીતે મૂકેલી હાલતમાં મળી આવી હતી. બેગની પાછળના ભાગમાં જ હુમલાના નિશાન અને સિંહના પગલાં મળ્યા હતા. બેગની સ્થિતિ અને સ્થળની પરિસ્થિતિને કારણે ઘટનાને લઈને અનેક શંકાઓ વ્યક્ત થઈ રહી છે. મૃતક યુવક મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર તે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. જોકે, ઘટનાની આસપાસના સંજોગો હજુ પણ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. પોલીસ અને વન વિભાગ બંને અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમરેલીના સાવરકુંડલામાં તાર ફેન્સિંગમાં ફસાઈ 6 માસના સિંહબાળનું મોત : વન વિભાગ દ્વારા કરવામાં આવશે પોસ્ટમોર્ટમ
સિંહો ભૂખ્યા નહોતા છતાં હુમલો કેમ?
વન વિભાગના ક્રોસ ચેકિંગ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં રહેલા સિંહોએ હુમલાના એક દિવસ પહેલાં જ સફળ મારણ કર્યું હતું. એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. સામાન્ય રીતે આ વિસ્તારમાં સિંહો વાહનો અને લોકોની નજીકથી પસાર થતા જોવા મળે છે, પરંતુ માણસો પર સીધો હુમલો કરવાની ઘટનાઓ અત્યંત દુર્લભ છે. આવી સ્થિતિમાં આ ખાસ યુવક પર હુમલો કેમ થયો તે અંગે વન વિભાગ હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યું નથી. સૌરાષ્ટ્રના વરિષ્ઠ વન અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમની પ્રાથમિક માન્યતા મુજબ આ ઘટના સામાન્ય વન્યજીવ વર્તનથી અલગ અને અસામાન્ય છે. તેથી જ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
વન વિભાગ અને પોલીસની કાર્યવાહી તથા ખુલાસો
આ ગંભીર મામલે વન વિભાગ અને પોલીસે સીસીટીવી ફૂટેજ તથા વાયરલ વીડિયો કબજે કરીને અલગ-અલગ દિશાઓમાં ગુપ્ત તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટના અંગે એસીએફ (ACF) વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સિંહ ક્યારેય મનુષ્યને પોતાનો ખોરાક કે ભક્ષ ગણતો નથી. આ એક અત્યંત અસામાન્ય ઘટના છે અને માત્ર આ એક ઘટનાના આધારે સિંહો આદમખોર બની ગયા છે તેવું ક્યારેય સાબિત કરી શકાય નહીં.
અમરેલીમાં સૌથી વધુ સિંહોની વસ્તી
સહાયક વન સંરક્ષક (ACF) વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લી સિંહ વસ્તી ગણતરી મુજબ કુલ 891 એશિયાટિક સિંહોની નોંધ થઈ હતી. તેમાં સૌથી વધુ 339 સિંહો માત્ર અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે. તેમણે જણાવ્યું કે જાફરાબાદ, રાજુલા અને નાગેશ્રી વિસ્તાર હાલ મહત્વપૂર્ણ 'કોસ્ટલ કોરિડોર' તરીકે વિકસ્યો છે. વન્યજીવો આ માર્ગનો ઉપયોગ કરીને અવરજવર કરે છે. ટેકનિકલ ભાષામાં આ વિસ્તારને 'સેટેલાઇટ પોપ્યુલેશન-4' તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં અંદાજે 94 જેટલા સિંહો વસે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની વધતી વસ્તીના કારણે તેઓ પરંપરાગત જંગલ વિસ્તારની બહાર પણ વસવાટ અને વિચરણ કરતા થયા છે. બીજી તરફ દરિયાકાંઠાના ઔદ્યોગિક વિસ્તારોમાં માનવ વસ્તી અને પરપ્રાંતીય શ્રમિકોની સંખ્યા પણ સતત વધી રહી છે. પરિણામે માનવ અને વન્યજીવો વચ્ચેનો સંપર્ક વધ્યો છે.
ચાર સિંહોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા
રાજુલા ઘટનાના અનુસંધાને વન વિભાગે ઘટનાસ્થળ આસપાસ રહેલા ચાર સિંહોને પકડીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. સાસણ ખાતે તેમના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ બાદ નક્કી થશે કે હુમલામાં કયા સિંહની સંડોવણી હતી. વન વિભાગ સ્પષ્ટપણે કહે છે કે એકલદોકલ ઘટનાના આધારે સિંહોને "આદમખોર" જાહેર કરી શકાય નહીં. સિંહ સામાન્ય રીતે માનવને પોતાનું કુદરતી ભક્ષ માનતો નથી. જોકે, આ પ્રકારની દુર્લભ અને ગંભીર ઘટનાઓને હળવાશથી પણ લઈ શકાય નહીં.






