Home Gujarat Gir Asiatic Lion First Railway Underpass Bhavnagar Division Wildlife Conservation

ગીરના સિંહો માટે ઐતિહાસિક પહેલ : દેશનો પ્રથમ વન્યજીવ રેલવે અંડરપાસ તૈયાર, સુરક્ષિત બનશે સિંહોની અવરજવર

Gir Lions Asiatic Lion Underpass
Published by: Nirali Gohil
Last Updated: Jun 18, 2026, 11:41 AM IST

Asiatic Lion Underpass: વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવોની સુરક્ષા માટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે દેશના પ્રથમ વિશિષ્ટ રેલવે અંડરપાસનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. રેલવે ટ્રેક પાર કરતી વખતે વન્યજીવોને થતા અકસ્માતો અટકાવવા અને ગીરના અમૂલ્ય વન્યજીવનને સુરક્ષિત રાખવાના હેતુથી હાથ ધરાયેલી આ પહેલને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રમાં એક માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે. ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવામાં આવ્યો છે.

ગીરના સિંહોની સુરક્ષા માટે પાંચ સંવેદનશીલ સ્થળોની પસંદગી

રાજ્ય સરકાર, વન વિભાગ અને રેલવે પ્રશાસનના સંયુક્ત પ્રયાસોથી ઢસા-રાજુલા અને રાજુલા-પીપાવાવ રેલખંડ પર એવા પાંચ સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં સિંહો અને અન્ય વન્યજીવો વારંવાર અવરજવર કરતા હોવાનું નોંધાયું હતું. આ સ્થળોએ ખાસ ડિઝાઇન કરાયેલા અંડરપાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી વન્યજીવોને રેલવે ટ્રેક પાર કરવા માટે સુરક્ષિત માર્ગ મળી રહે અને અકસ્માતોની સંભાવના ઘટે.

આ પણ વાંચો: વૈશ્વિક બજારમાં મધ્ય ગુજરાતનો ડંકો : રૂ. 1.74 લાખ કરોડની નિકાસ સાથે બન્યું રોકાણ અને ઉદ્યોગનું પાવરહાઉસ

'ઝીરો એક્સિડન્ટ'ના લક્ષ્ય તરફ મહત્વપૂર્ણ પગલું

આ સમગ્ર યોજનાનો મુખ્ય હેતુ માત્ર વન્યજીવોની સુરક્ષા જ નહીં પરંતુ રેલવે સંચાલનની સલામતી વધારવાનો પણ છે. સિંહો અને અન્ય પ્રાણીઓ ટ્રેક પર આવી જતાં સર્જાતા અકસ્માતોને અટકાવી "ઝીરો એક્સિડન્ટ"ના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. વિશેષજ્ઞોના મતે, ગીર વિસ્તારમાં સિંહોની વધતી સંખ્યા અને તેમના વિસ્તરતા વસવાટને ધ્યાનમાં લેતાં આવા સુરક્ષિત માર્ગોની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી.

રૂ. 9.42 કરોડના ખર્ચે અમલમાં પ્રોજેક્ટ

લગભગ રૂ. 9.42 કરોડના ખર્ચે અમલમાં મૂકાયેલી આ યોજનામાં અત્યાર સુધી નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. ઢસા-રાજુલા રેલખંડ પર કિમી 53/14-15 અને કિમી 16/9-10 સ્થિત બે મહત્વપૂર્ણ સ્થળોએ અંડરપાસ બોક્સનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીના ત્રણ સ્થળોએ પણ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે અને નિર્ધારિત સમયમર્યાદામાં તેને પૂર્ણ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અમરેલીમાં યુવકના શિકાર બાદ કેમેરામાં કેદ થયો મિજબાની માણતો સિંહ : વીડિયો ઉતારનાર ટ્રક ચાલક હેડલાઈટ ચાલુ રાખી લાઈવ દ્રશ્ય જોતો રહ્યો

રેલવે અને પર્યાવરણ વચ્ચે સંતુલનનું ઉત્તમ ઉદાહરણ

ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, રેલવે હવે માત્ર પરિવહન સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષા માટે પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની નવીન પહેલ ભારતીય રેલવે માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે અને ભવિષ્યમાં દેશના અન્ય વન્યજીવ વિસ્તારોમાં પણ આવા મોડેલ અપનાવવાની સંભાવના છે.

વન્યજીવ સંરક્ષણમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન

રેલવે, વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન વચ્ચેના સંકલિત પ્રયાસોથી સાકાર થઈ રહેલી આ યોજના ગીર વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. ખાસ કરીને એશિયાટિક સિંહો જેવા દુર્લભ અને વૈશ્વિક મહત્વ ધરાવતા પ્રાણીઓ માટે આ પ્રોજેક્ટ લાંબા ગાળે લાભદાયક બનશે. ભાવનગર મંડળે સ્પષ્ટ કર્યું છે કે, ભવિષ્યમાં પણ પર્યાવરણમૈત્રી, સુરક્ષિત અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી આવી જનહિતકારી પહેલો સતત આગળ વધારવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now