Bhavnagar News: સૌરાષ્ટ્રમાં માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં એક યુવકના મોતના ગણતરીના કલાકોમાં જ, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહુવા નજીક એક શ્રમિક યુવક પર સિંહે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. અમરેલીની ઘટનાની જેમ જ અહીં પણ સિંહે યુવકને ફાડી ખાધો હતો અને શોધખોળ દરમિયાન માત્ર તેનું વિકૃત માથું અને કપડાં જ હાથ લાગ્યાં હતાં.
ભાવનગરમાં સિંહના સંભવિત હુમલાથી વૃદ્ધનું મોત: પંથકમાં ભારે ફફડાટ
અમરેલી બાદ હવે ભાવનગર જિલ્લામાં પણ સિંહના હુમલાની આશંકાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મહુવા તાલુકાના ગઢડા ગામ નજીક આવેલા પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસે નાગજીભાઈ ગુજરીયા નામના વ્યક્તિના શરીરના અમુક અંગો મળી આવ્યા છે. વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, આ વૃદ્ધનું મોત સિંહના હુમલાના કારણે થયું હોવાની આશંકા છે.
આ ગંભીર ઘટનાને પગલે ડી.સી.એફ.ના જણાવ્યા અનુસાર વન વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, તેમજ ડીવાયએસપીના જણાવ્યા મુજબ પોલીસ પણ આ મામલે સમાંતર તપાસ ચલાવી રહી છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સિંહોના આંટાફેરા વધ્યા હતા, અને આ આકસ્મિક ઘટના બાદ હવે આસપાસના ગામોના લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાત્રે ઘરે પરત ફરતા યુવકને સિંહ જંગલ તરફ ખેંચી ગયો
મળતી માહિતી મુજબ, મહુવાના ગઢડા ગામનો ૩૪ વર્ષીય યુવાન નાગજી પ્રેમજીભાઈ ગુજરીયા મજૂરી કામ કરતો હતો. ગઈ રાત્રિના સમયે તે પોતાનું કામ પૂરું કરીને પગપાળા ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન મહુવા નજીક પીંગલેશ્વર મહાદેવ જવાના માર્ગ પર અચાનક એક સિંહે તેના પર ત્રાટક્યો હતો. સિંહ યુવકને ગંભીર રીતે ઘાયલ કરી, ઘસડીને જંગલની ગીચ ઝાડીઓ તરફ ખેંચી ગયો હતો.
રાજકોટમાં સંગઠિત ગુનાખોરી પર પોલીસનો પ્રહાર: રામદેવ ડાંગર ગેંગ વિરુદ્ધ ‘ગુજસીટોક’ દાખલ, 3 આરોપીઓ જેલહવાલે
બાવળની ઝાડીઓમાંથી મળ્યા માત્ર અવશેષો
યુવક પર હુમલાની જાણ થતાં જ ગઢડા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો તાત્કાલિક સ્પોટ પર પહોંચ્યો હતો અને ગ્રામજનો સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે શોધખોળ બાદ બાવળની ગીચ ઝાડીઓમાંથી નાગજીના કપડાં અને તેના શરીરના વિકૃત અવશેષો (માથું) મળી આવ્યા હતા.
આ ભયાનક દ્રશ્ય જોઈને સ્થાનિકોમાં અરેરાટી સાથે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગઢડા ગામના સરપંચ સવજીભાઈએ જણાવ્યું હતું કે, મને ગામમાંથી ફોન આવ્યો કે આપણાં ગામના યુવાન નાગજીભાઈને સિંહે ફાડી ખાધો છે. અમે તાત્કાલિક વનવિભાગને જાણ કરી અને વનવિભાગની ટીમ ગામમાં આવી પહોંચી હતી."
ઇબોલા પ્રભાવિત કોંગોમાં ફસાયેલા ભુજના પ્રોફેસરની વતન વાપસી: ગુજરાત સરકારના હસ્તક્ષેપથી મળ્યો રાહતનો શ્વાસ
પરિવારનો કમાનારો સભ્યો છીનવાયો: પરિવાર પર આભ તૂટ્યું
મૃતક નાગજી પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો. તેના મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃતકના મોટાભાઈ શાંતિભાઈએ ભારે હૈયે જણાવ્યું કે મારો ભાઈ નાગજી કામેથી પરત ફરી રહ્યો હતો ત્યારે જાનવર એને ઝાડીમાં ખેંચી ગયા હતા. અમે બહારગામ હતા અને ગામમાંથી ફોન આવતા જ દોડી આવ્યા. ઘરમાં બે બાળકો અને વૃદ્ધ માતા-પિતા છે. અમારું આખું ઘર મારા ભાઈની કમાણી પર જ ચાલતું હતું."
સ્થાનિકોમાં રોષ: વન વિભાગ સામે અસરકારક પગલાંની માંગ
મહુવા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ સહિતના હિંસક વન્ય પ્રાણીઓના આંટાફેરા અને હુમલાઓ વધી ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમરેલી અને ભાવનગર જિલ્લામાં બે દિવસમાં બનેલી આ બે સમાન ઘટનાઓએ માનવ-વન્યપ્રાણી સંઘર્ષની ગંભીરતાને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે. વન વિભાગ હવે આ બાબતે કેટલું ઝડપી અને અસરકારક પગલું ભરે છે તેના પર સૌની નજર છે.





