ગુજરાત સરકારના ત્વરિત હસ્તક્ષેપ અને ભારતીય રાજદ્વારી મિશનોના સંકલિત પ્રયાસોના પરિણામે ઇબોલા પ્રભાવિત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં ફસાયેલા ભુજના પ્રોફેસર ડૉ. અમીન સમાને સુરક્ષિત રીતે વતન પરત ફરવાનો માર્ગ મળી ગયો છે. કચ્છના ભુજ સ્થિત શ્રી આર.આર. લાલન કોલેજમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. અમીન સમા છેલ્લા લગભગ એક મહિનાથી કોંગોના ગોમા શહેરમાં ફસાયેલા હતા.
ઇબોલા સંબંધી ચિંતાઓને કારણે રવાંડા અને કોંગો વચ્ચેની સરહદો પર લાગુ કરાયેલા પ્રતિબંધોના કારણે તેમની મુસાફરી અટવાઈ ગઈ હતી. જેના કારણે 31 મેના રોજ ભારત પરત આવવાની તેમની ફ્લાઇટ પણ ચૂકી ગઈ હતી. આખરે ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન (NSGF), ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોના સતત પ્રયાસો બાદ તેમને જરૂરી કાનૂની મંજૂરીઓ મળી ગઈ છે.
ગુજરાતમાં આવી રહી છે વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા: અમદાવાદ મેડિસિટી ખાતે રૂ. 295 કરોડના ખર્ચે બનશે વિશ્વ કક્ષાનું સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર
મિત્રને મળવા ગયા અને અચાનક ફસાઈ ગયા
મળતી માહિતી મુજબ, ડૉ. અમીન સમા 15 મે, 2026ના રોજ રવાંડાના કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના બાળપણના મિત્રને મળવા માટે કાયદેસર રીતે ડીઆરસીના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા. ત્યાંથી તેઓ તાન્ઝાનિયાની મુલાકાતે જવાનું આયોજન પણ કરી રહ્યા હતા.
પરંતુ માત્ર બે દિવસ બાદ ઇબોલા ફાટી નીકળવાની આશંકાને પગલે રવાંડા સરકારે ડીઆરસી સાથેની સરહદ બંધ કરી દીધી હતી. સરહદ બંધ થતાં તેઓ કિગાલી પરત ફરી શક્યા નહોતા અને કોંગોમાં જ ફસાઈ ગયા હતા.
ગુજરાત સરકાર સુધી પહોંચ્યો મદદનો સંદેશ
પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં ડૉ. સમાએ ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો અને ભારત પરત ફરવા માટે મદદની વિનંતી કરી હતી. મામલો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરી સુધી પહોંચતા જ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન (NSGF)એ સમગ્ર મામલો પોતાના હાથમાં લીધો હતો. ફાઉન્ડેશને ભારત સરકારના વિદેશ મંત્રાલય તેમજ રવાંડા અને કોંગો સંબંધિત ભારતીય રાજદ્વારી મિશનો સાથે સતત સંકલન શરૂ કર્યું હતું.
માત્ર દારૂ પકડતી પોલીસ હવે ડ્રગ્સ પકડશે!: ડ્રગ્સના દૂષણને મૂળમાંથી નાબૂદ કરવા DGP મલિકનો આદેશ
દૂતાવાસો સાથે સતત સંપર્ક, મંજૂરી માટે દોડધામ
10 જૂનથી શરૂ થયેલા પ્રયાસોમાં નવી દિલ્હી સ્થિત અધિકારીઓ તેમજ રવાંડા અને ડીઆરસી માટે જવાબદાર ભારતીય દૂતાવાસોને રજૂઆતો કરવામાં આવી હતી. ડૉ. સમાની સુરક્ષિત વતન વાપસી માટે તમામ સંભવિત વિકલ્પો પર કામ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર સમયગાળા દરમિયાન NSGFના અધિકારીઓ સતત ડૉ. સમાના સંપર્કમાં રહ્યા હતા. પરિસ્થિતિ અંગે નિયમિત માહિતી મેળવવા ઉપરાંત જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મંજૂરી પ્રક્રિયામાં વિલંબ ન થાય તે માટે વિદેશ મંત્રાલય અને દૂતાવાસ અધિકારીઓ સાથે સતત સંકલન જાળવવામાં આવ્યું હતું.
ઇબોલા ટેસ્ટ સહિત તમામ પ્રક્રિયા માટે દર્શાવી તૈયારી
ડૉ. સમાએ સત્તાધિકારીઓને સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કોઈપણ ઇબોલા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી નહોતી અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ તેમજ લક્ષણમુક્ત હતા. તેમણે ઇબોલા ટેસ્ટ, ક્વોરન્ટાઇન, તબીબી તપાસ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ પ્રક્રિયાઓ માટે તૈયારી પણ દર્શાવી હતી.
તેમની 18 જૂનની ફ્લાઇટ નજીક આવતાં ગુજરાત સરકાર અને NSGF એ પોતાના પ્રયાસોને વધુ વેગ આપ્યો હતો. અંતે 17 જૂનના રોજ ડૉ. સમાને ટ્રાન્ઝિટ અને ભારત પરત ફરવા માટે જરૂરી તમામ કાનૂની મંજૂરીઓ મળી ગઈ હતી.
‘આ સહયોગ હું ક્યારેય ભૂલી નહીં શકું’
મંજૂરી મળ્યા બાદ ડૉ. અમીન સમાએ ગુજરાત સરકાર, NSGF અને ભારતીય દૂતાવાસોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "મને મુસાફરી માટેની પરવાનગી મળી ગઈ છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મળેલા સહયોગ અને મદદ બદલ હું હૃદયપૂર્વક આભારી છું. આ મુશ્કેલ સમયમાં આપના પ્રયાસો મારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યા છે."
કચ્છને મળશે રેલવેની મોટી ભેટ: આદિપુર-ભુજ વચ્ચે ડબલ ટ્રેક માટે ₹493 કરોડ મંજૂર, ટ્રેન અને માલવહન ક્ષમતા વધશે
હર્ષ સંઘવીનું નિવેદન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતીઓ અને ભારતીય નાગરિકોને શક્ય તેટલી સહાય પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા છે. ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન, વિદેશ મંત્રાલય અને ભારતીય રાજદ્વારી મિશનોના સંકલિત પ્રયાસોથી અમે એક પડકારજનક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ફસાયેલા નાગરિકને સમયસર મદદ અને સહાયતા પૂરી પાડી શક્યા છીએ."
આ સમગ્ર ઘટનાને ગુજરાત સરકારની એનઆરઆઈ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાના મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે.





