ગુજરાતમાં નશીલા પદાર્થો સામેની લડતને વધુ આક્રમક અને પરિણામલક્ષી બનાવવા માટે રાજ્ય પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ શોધવાની અને તેના પર કાર્યવાહી કરવાની જવાબદારી માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સીધી જવાબદારી સોંપવામાં આવશે.
ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને ડ્રગ્સ સામે વધુ સક્રિય અભિગમ અપનાવવાની સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે નશીલા પદાર્થોના વેપાર, સપ્લાય અને વિતરણ સાથે સંકળાયેલા લોકો સામે કોઈપણ પ્રકારની નરમાઈ રાખવામાં આવશે નહીં.
હવે દરેક પોલીસ સ્ટેશન બનશે ડ્રગ્સ વિરોધી અભિયાનનો ભાગ
અત્યાર સુધી NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ) અધિનિયમ હેઠળના મોટા ભાગના કેસોની તપાસ અને કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ અથવા SOG જેવી વિશેષ એજન્સીઓ કરતી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે અને ગુજરાત પોલીસે આ મોડલમાં મોટો ફેરફાર કર્યો છે.
![]()
![]()
નવી વ્યવસ્થા હેઠળ રાજ્યના દરેક સ્થાનિક પોલીસ સ્ટેશનને પોતાના વિસ્તારમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓ શોધવા, ગુનેગારોને પકડવા અને કેસ નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયથી ડ્રગ્સ વિરોધી કામગીરીને સ્થાનિક પોલીસિંગનો અભિન્ન ભાગ બનાવવામાં આવી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો રેકોર્ડબ્રેક વેપાર: 8 લાખથી વધુ બોક્સની આવકથી સર્જાયો ઈતિહાસ
ડ્રગ્સ પેડલરો અને નેટવર્ક સામે કડક કાર્યવાહી
બેઠક દરમિયાન DGPએ તમામ પોલીસ અધિકારીઓને ડ્રગ્સ પેડલરો, સપ્લાયરો અને નેટવર્ક સાથે જોડાયેલા તત્વો પર સતત નજર રાખવા માટે સૂચના આપી હતી. ગુપ્તચર માહિતીના આધારે કાર્યવાહી વધારવા અને નાના-મોટા તમામ કેસોમાં કડક અમલવારી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે માત્ર ડ્રગ્સ જપ્ત કરવાથી કામ નહીં ચાલે, પરંતુ તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચીને સમગ્ર સપ્લાય ચેઇનને તોડી પાડવાની દિશામાં તપાસ આગળ વધારવી પડશે.
બાહ્ય એજન્સી કેસ નોંધે તો સ્થાનિક પોલીસ જવાબદાર
આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જો કોઈ પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સ સંબંધિત ગુનો બને અને તેની કાર્યવાહી સ્થાનિક પોલીસને બદલે કોઈ બાહ્ય એજન્સી દ્વારા કરવામાં આવે, તો સંબંધિત વિસ્તારના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.
આ નિર્ણયને પોલીસ તંત્રમાં જવાબદારી અને જવાબદેહી વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે સ્થાનિક પોલીસ માટે પોતાના વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી કામગીરી વધુ સક્રિય રીતે ચલાવવી જરૂરી બનશે.
અમદાવાદમાં ફરી દેખાયો રફતારનો કહેર!: રાણીપ વિસ્તારમાં બેફામ આવતી કારે બેકાબૂ બનીને સર્જ્યો અકસ્માત
વ્યસનીઓ પાસેથી સપ્લાય ચેઇનની માહિતી મેળવવા સૂચના
ગુજરાત પોલીસે માત્ર પેડલરો જ નહીં, પરંતુ ડ્રગ્સના વ્યસનીઓ સુધી પહોંચીને પણ સમગ્ર નેટવર્ક શોધી કાઢવાની વ્યૂહરચના તૈયાર કરી છે. પકડાયેલા વ્યસનીઓની વિગતવાર પૂછપરછ કરીને તેઓ સુધી ડ્રગ્સ કેવી રીતે પહોંચે છે, સપ્લાયરો કોણ છે અને વિતરણનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની માહિતી મેળવવા સૂચના આપવામાં આવી છે.
પોલીસનું માનવું છે કે વ્યસનીઓ પાસેથી મળતી માહિતીના આધારે મોટા ડ્રગ્સ રેકેટ સુધી પહોંચવું વધુ સરળ બની શકે છે.
કડક કાર્યવાહી સાથે પુનર્વસન પર પણ ભાર
ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સામે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં પરંતુ પુનર્વસન અને કાઉન્સેલિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નશાની લતથી પ્રભાવિત લોકોને જરૂરી માર્ગદર્શન અને સારવાર મળી રહે તે માટે પોલીસ વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરીને સહયોગ આપશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ વિરોધી અભિયાનમાં માત્ર ધરપકડો અને કેસો પૂરતા નથી, પરંતુ વ્યસનગ્રસ્ત લોકોને મુખ્ય પ્રવાહમાં પરત લાવવાનો પ્રયાસ પણ એટલો જ મહત્વપૂર્ણ છે.
પેટ્રોલની ટાંકી 8 લિટરની ડીઝલ આવ્યું 9.43 લીટર!: પેટ્રોલ પંપ પર ડીઝલ વિતરણમાં ગેરરીતિનો આક્ષેપ
સારું કામ કરનાર પોલીસકર્મીઓને મળશે ઇનામ
રાજ્યભરમાં NDPS કેસોમાં સફળ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ઇનામ અને સન્માનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સરકાર અને પોલીસ તંત્રનું માનવું છે કે સકારાત્મક સ્પર્ધા અને પ્રોત્સાહનથી ડ્રગ્સ વિરોધી કામગીરી વધુ અસરકારક બની શકશે.
ગુજરાત સરકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડ્રગ્સ સામે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે. હવે નવી વ્યવસ્થા અમલમાં આવતા રાજ્યમાં ડ્રગ્સના વેપાર અને નશાના નેટવર્ક સામે વધુ આક્રમક કાર્યવાહી જોવા મળી શકે છે.





