ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદી ગતિવિધિ ફરી ધીમી પડી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં નિયમિત અને વ્યાપક ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. આગામી સાત દિવસના અનુમાન મુજબ 17 જૂનથી 23 જૂન દરમિયાન માત્ર બે દિવસ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે ત્યારબાદ મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, 17 અને 18 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે રાજ્યવ્યાપી ભારે અથવા નિયમિત વરસાદની કોઈ સ્થિતિ હાલ દેખાઈ રહી નથી.
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર: હાઈકોર્ટના આ નિર્ણયની રાજ્યભરમાં ચર્ચા
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે.
18 જૂનના રોજ મધ્ય ગુજરાતના મહીસાગર, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
19 જૂન બાદ ફરી સૂકું વાતાવરણ
હવામાન વિભાગના અનુમાન મુજબ 19 જૂન પછી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. મોટાભાગના વિસ્તારોમાં આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે, પરંતુ વરસાદની સંભાવના ખૂબ ઓછી રહેશે.
આકાશી આફતો સામે ગુજરાત સરકારનું સુરક્ષા કવચ: 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને રૂ. 22,733 કરોડની સહાય
હાલ અરબી સમુદ્ર તરફથી દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ચોમાસાને વધુ સક્રિય બનાવે તેવી કોઈ મજબૂત સિસ્ટમ હાલ વિકસતી દેખાતી નથી. બીજી તરફ ઉત્તર પાકિસ્તાન વિસ્તારમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય હોવાથી ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાન પર તેની અસર જોવા મળી શકે છે.
અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમી યથાવત
વરસાદની અછત વચ્ચે રાજ્યમાં ગરમીનો માહોલ યથાવત છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી બે દિવસ દરમિયાન પણ શહેરમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
અમદાવાદ માટે હવામાન વિભાગે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની આગાહી કરી છે, પરંતુ નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી હોવાનું જણાવ્યું છે.
રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહ્યો છે. વલ્લભ વિદ્યાનગરમાં 40.7 ડિગ્રી, ભાવનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગર અને વડોદરામાં 39.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો રેકોર્ડબ્રેક વેપાર: 8 લાખથી વધુ બોક્સની આવકથી સર્જાયો ઈતિહાસ
દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન
તટીય વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન 15થી 20 નોટની ઝડપે ફૂંકાઈ શકે છે. કેટલાક સમયે પવનના સુસવાટા 25 નોટ સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હાલની પરિસ્થિતિને જોતા ગુજરાતમાં નિયમિત ચોમાસું સક્રિય થવા માટે હજુ થોડો સમય લાગી શકે છે. ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર હવે આગામી હવામાન પ્રણાલીઓ અને ચોમાસાની આગળની ગતિવિધિ પર ટકેલી છે.







