Home Gujarat Gujarat High Court Farmers Electricity Transmission Line Order Cancelled

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર : હાઈકોર્ટના આ નિર્ણયની રાજ્યભરમાં ચર્ચા

Farmers land electricity pole dispute
Image Credit: static.india.com
Published by: Nirali Gohil
Last Updated: Jun 17, 2026, 06:01 AM IST

Farmers land electricity pole dispute: ગુજરાતમાં ખેડૂતોની જમીનમાંથી વીજ ટ્રાન્સમિશન લાઇન અને વીજ થાંભલાઓ પસાર કરવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં વિવાદો ઊભા થઈ રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે ઘણી જગ્યાએ તેમની સંમતિ લીધા વિના અથવા તેમની રજૂઆતો સાંભળ્યા વિના વીજ કંપનીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ખેતીની જમીન, પાક અને ભવિષ્યના કૃષિ વિકાસ પર અસર થવાની ભીતિ ઊભી થઈ રહી છે. આવા જ એક મહત્વપૂર્ણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોના હિતમાં નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક આવેલા કમીયાળા ગામના ખેડૂતોની જમીનમાંથી ટ્રાન્સમિશન લાઇન પસાર કરવાની મંજૂરી સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમને હાઈકોર્ટે રદબાતલ ઠેરવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતી સુનાવણીનો અવસર આપ્યા વિના લેવાયેલો કોઈપણ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાય.

ખેડૂતોને સુનાવણીનો અધિકાર, હાઈકોર્ટનો સ્પષ્ટ સંદેશ

જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન અરજદાર ખેડૂતો તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેમને યોગ્ય રીતે સાંભળવામાં આવ્યા નહોતા અને જરૂરી દસ્તાવેજો પણ આપવામાં આવ્યા નહોતા. આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને હાઈકોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ મંજૂરીનો હુકમ રદ કર્યો હતો. કોર્ટે સમગ્ર મામલો ફરીથી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપતાં ખેડૂતોને વ્યક્તિગત રીતે સાંભળવાનો આદેશ કર્યો છે. સાથે જ 19 જૂન સુધીમાં સુનાવણી પૂર્ણ કરીને ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ મુદ્દાઓ અને વાંધાઓનો વિચાર કરીને નવા સિરેથી નિર્ણય લેવાની સૂચના પણ આપી છે.

23 જૂન સુધીમાં નવો નિર્ણય લેવા સૂચના

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે માત્ર ઔપચારિક સુનાવણી પૂરતી નથી, પરંતુ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક મુદ્દાની યોગ્ય રીતે તપાસ કરવી જરૂરી છે. તેથી જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ સંબંધિત પક્ષોને સાંભળીને અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે મોડામાં મોડા 23 જૂન સુધીમાં અંતિમ નિર્ણય જાહેર કરવાનો રહેશે. આ આદેશને ખેડૂતોના અધિકારો અને જમીન સંબંધિત વિવાદોમાં પારદર્શક પ્રક્રિયાને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: 'આદિત્ય' બની મહિલાઓનું શારીરિક શોષણ કરનાર 'કરીમ' સકંજામાં: 8000 અશ્લીલ વીડિયો, લેપટોપનો ડેટા અને FSL તપાસમાં ઉચકાશે રહસ્ય પરથી પડદો

શું છે સમગ્ર વિવાદ?

અરજદાર રામદેવસિંહ વણાર અને અન્ય ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ અરજીમાં જણાવાયું હતું કે જેટકો (GETCO) દ્વારા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિસ્તારમાં ટ્રાન્સમિશન લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન કમીયાળા ગામના ખેડૂતોની જમીનમાંથી પણ વીજ લાઇન પસાર કરવાની યોજના બનાવવામાં આવી હતી. ખેડૂતોનો આરોપ હતો કે સંબંધિત અધિકારીઓએ તેમની સાથે કોઈ પૂર્વ ચર્ચા કરી નહોતી, તેમની સંમતિ લીધી નહોતી અને જરૂરી કાનૂની પ્રક્રિયાનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું.

વીજ કંપનીની કાર્યવાહી સામે ખેડૂતોનો વિરોધ

અરજદારોનું કહેવું હતું કે, તેમની ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર થવાથી પાકને નુકસાન પહોંચવાની તેમજ જમીનના ઉપયોગ પર અસર થવાની શક્યતા છે. તેમ છતાં તેમને ન તો યોજનાની વિગતો આપવામાં આવી હતી અને ન તો સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ હતો કે, વીજ કંપનીના અધિકારીઓ સીધા જ જમીનમાં કામગીરી શરૂ કરવા આગળ વધી રહ્યા હતા, જ્યારે અસરગ્રસ્ત જમીનમાલિકોને પોતાની વાત રજૂ કરવાની તક પણ આપવામાં આવી નહોતી. આ પ્રકારની કાર્યવાહી ખેડૂતોમાં ભારે અસંતોષનું કારણ બની હતી.

આ પણ વાંચો: આકાશી આફતો સામે ગુજરાત સરકારનું સુરક્ષા કવચ: 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને રૂ. 22,733 કરોડની સહાય

કુદરતી ન્યાયના સિદ્ધાંતો પર હાઈકોર્ટનો ભાર

સુનાવણી દરમિયાન ખેડૂતોના વકીલોએ દલીલ કરી હતી કે સમગ્ર પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે. કોઈપણ વ્યક્તિના અધિકારોને અસર કરતા નિર્ણય પહેલાં તેને સાંભળવું અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવું કાયદાકીય રીતે ફરજિયાત છે. હાઈકોર્ટે આ દલીલોને ધ્યાનમાં લેતાં નોંધ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટે ખેડૂતોને યોગ્ય તક આપ્યા વિના વીજ કંપનીની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. આ કારણે તે હુકમ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી અને તેને રદ કરવો જરૂરી બને છે.

ખેડૂતો માટે કેમ મહત્વનો છે આ ચુકાદો?

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસ, હાઈ-ટેન્શન વીજલાઈનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ખેડૂતોની જમીનમાંથી વીજ લાઇનો પસાર કરવાની કામગીરી ચાલી રહી છે. આવા સંજોગોમાં આ ચુકાદો માત્ર કમીયાળા ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યભરના ખેડૂતો માટે માર્ગદર્શક બની શકે છે. કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે વિકાસ કાર્યો જરૂરી હોવા છતાં અસરગ્રસ્ત જમીનમાલિકોના અધિકારોની અવગણના કરી શકાશે નહીં. કોઈપણ પ્રોજેક્ટ માટે કાનૂની પ્રક્રિયા, પારદર્શિતા અને સુનાવણીના અધિકારનું પાલન અનિવાર્ય રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now