ગુજરાતમાં TET (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) મુદ્દે પ્રાથમિક શિક્ષકોનો વિરોધ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. શિક્ષક સંઘના નેતાઓના જણાવ્યા અનુસાર, રાજ્યના 22 જિલ્લાઓમાં આજે ધરણાં અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં 20 થી 30 જૂન દરમિયાન આંદોલનના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, TET-1 અમલીકરણ પહેલાં ભરતી થયેલા શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે આ લડત શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે સરકાર સુધી શિક્ષકોનો અવાજ પહોંચાડવા માટે મીડિયા સહયોગની પણ અપીલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફરી ગરમાયો મુદ્દો
શિક્ષક સંઘના જણાવ્યા મુજબ, TET અમલમાં આવે તે પહેલાં ભરતી થયેલા શિક્ષકો અંગે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ સમગ્ર દેશમાં ચિંતા ઊભી થઈ છે. આ મુદ્દે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત શિક્ષકોને રાહત આપવા માટે એક વર્ષની સમયમર્યાદા વધારવામાં આવી હતી.
હાલ શિક્ષક સંગઠનોનું કહેવું છે કે TET પહેલાં ભરતી થયેલા શિક્ષકોની નિમણૂક તે સમયના સરકારના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ જ કરવામાં આવી હતી. તેથી વર્ષો સુધી સેવા આપી રહેલા શિક્ષકોને હવે ફરી પરીક્ષા આપવાની ફરજ પાડવી યોગ્ય નથી.
NEET-UG પરીક્ષા પહેલાં ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં: રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા, સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર
ગુજરાતના 75 હજાર અને દેશના 25 લાખ શિક્ષકો પ્રભાવિત થવાનો દાવો
શિક્ષક સંઘના દાવા મુજબ, આ મુદ્દાની સીધી અસર ગુજરાતના અંદાજે 75 હજાર જેટલા શિક્ષકો પર પડી શકે છે. જ્યારે દેશભરમાં આ સંખ્યા આશરે 25 લાખ સુધી પહોંચે છે. આ કારણે રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી સંગઠનો દ્વારા એકજૂટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સંઘના નેતાઓનું કહેવું છે કે શિક્ષકોની ભરતી તે સમયના કાયદા, આરટીઈ (Right to Education)ની જોગવાઈઓ અને સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો અનુસાર થઈ હતી. TETની જોગવાઈ બાદમાં અમલમાં આવી હોવાથી અગાઉથી સેવા બજાવતા શિક્ષકોને તેમાંથી મુક્તિ આપવી જોઈએ.
15 જૂનથી 30 જૂન સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમો
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 15 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધરણાં, વિરોધ કાર્યક્રમો અને કલેક્ટર, સાંસદ તથા ધારાસભ્યોને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત 5થી 20 જુલાઈ દરમિયાન રાજ્ય કક્ષાના કાર્યક્રમો યોજાશે, જેમાં સરકારનું ધ્યાન આ મુદ્દા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ઓગસ્ટ મહિનામાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
રાજકોટના પૂર્વ મેયરના બાંધકામને લઈને વિવાદ: નોટિસ બાદ પણ કામ ચાલુ હોવાના આક્ષેપ
સંસદ અને વિધાનસભામાં કાયદાકીય ઉકેલની માંગ
શિક્ષક સંગઠનોની મુખ્ય માંગ છે કે TET પહેલાં ભરતી થયેલા શિક્ષકોને પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા માટે સરકાર કાયદાકીય અને નીતિગત નિર્ણય લે. આ મુદ્દે સંસદ અને વિધાનસભા સ્તરે જરૂરી સુધારા કરીને શિક્ષકોને રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે.
હાલ રાજ્યભરમાં શરૂ થયેલા આંદોલન બાદ સરકારનું વલણ શું રહે છે અને શિક્ષકોની માંગણીઓ અંગે કોઈ નીતિગત નિર્ણય લેવાય છે કે નહીં તેના પર હજારો શિક્ષકોની નજર મંડાયેલી છે.






