Home Gujarat Gujarat Police Tight Security Arrangements For Neet Ug Exam 2026

NEET-UG પરીક્ષા પહેલાં ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં : રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા, સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર

Gujarat Police
Published by: Suman Dabhi
Last Updated: Jun 17, 2026, 06:28 AM IST

NEET UG 2026: દેશની સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓમાંની એક ગણાતી NEET-UG 21 જૂને યોજાવાની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને પેપર લીક જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે આ વખતે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાઓ સાથે રાજ્યવ્યાપી સમીક્ષા બેઠક યોજી પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ સૂચનાઓ આપી છે.

NEET-UGની સુરક્ષા માટે રાજ્યવ્યાપી તૈયારી, ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા

21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકે મંગળવારે રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ યોજી પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન પરીક્ષા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે યોજાય તે માટે વિવિધ સ્તરે તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ડીજીપી દ્વારા NEET સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે આઈજીપી (કાયદો અને વ્યવસ્થા) શ્રી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં તમામ પોલીસ એકમો વચ્ચે સુમેળ જળવાઈ રહે અને કોઈપણ પરિસ્થિતિમાં ઝડપી નિર્ણય લેવામાં સરળતા રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રો આસપાસ ખાસ નજર, ઝેરોક્સ અને ફોટોકોપી સેન્ટરો પણ રડારમાં

પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ઉમેદવારોની સંખ્યાને આધારે દરેક પરીક્ષા કેન્દ્ર પર અલગ-અલગ પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ખાસ કરીને પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ સેન્ટરો પર સતત નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ માર્ગદર્શિકાઓનું કડક પાલન થાય તે માટે સ્થાનિક પોલીસ અને અધિકારીઓને સક્રિય રહેવા જણાવાયું છે.

20 જૂને NTAના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ તમામ વ્યવસ્થાઓની ચકાસણી થઈ શકે.

ઉમેદવારોની તપાસમાં સંવેદનશીલતા રાખવા ખાસ સૂચના

ગુજરાત પોલીસે માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ઉમેદવારો અને તેમના પરિવારજનો માટે માનવીય અભિગમ અપનાવવા પર પણ ભાર મૂક્યો છે.

પોલીસ એકમોને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ફ્રિસ્કિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. મહિલા ઉમેદવારોની તપાસ દરમિયાન ગૌરવપૂર્ણ અને સન્માનજનક વર્તન જાળવવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

સાથે જ, પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા માતા-પિતા અને વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર જાળવવા તેમજ ભીડ નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ અને અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સુરક્ષિત રીતે જમા કરાવવા માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, જેથી ઉમેદવારોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

રાત્રિ પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયા પર પણ સક્રિય દેખરેખ

પરીક્ષા સામગ્રીની ગોપનીય હેરફેર અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 19 જૂનથી 21 જૂન સુધી રાજ્યભરમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ ખાસ મોનિટરિંગ કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત અફવાઓ, ભ્રામક માહિતી, પેપર લીક અંગેના ખોટા દાવા અથવા પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ સર્જવાના કોઈપણ પ્રયાસોને રોકવા માટે સાયબર અને સ્થાનિક પોલીસ તંત્ર સક્રિય રહેશે.

યોગ દિવસ અને NEET એક જ દિવસે, અલગ માનવબળ તૈનાત કરાશે

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પણ થવાની હોવાથી પોલીસ વિભાગ માટે બે મહત્વપૂર્ણ જવાબદારીઓ એકસાથે આવશે. આને ધ્યાનમાં રાખીને ડીજીપી જી.એસ. મલિકે સ્પષ્ટ સૂચના આપી છે કે યોગ દિવસના કાર્યક્રમો અને NEET પરીક્ષા માટે અલગ-અલગ પોલીસ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવે.

આ નિર્ણયથી પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા પર કોઈ અસર ન થાય અને પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં વરસાદ પહેલાં જ દબાઈ ગયો નવો રોડ : ડમ્પર ખાડામાં ફસાતા મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ

લાખો વિદ્યાર્થીઓ માટે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવાનો મહત્વપૂર્ણ માર્ગ

NEET-UG દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવાનો મહત્વપૂર્ણ માર્ગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પરીક્ષા સંબંધિત વિવાદો અને ગેરરીતિઓને કારણે પરીક્ષાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આવા સંજોગોમાં ગુજરાત પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને પૂર્વ તૈયારીના પગલાં પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now