Home Gujarat Rajkot Jasdan Kajalben Murder Case Bhabhi Killed By Jeth Rajkot

રાજકોટમાં 23 વર્ષીય પરિણીતાના મોતનો ભેદ ખૂલ્યો : જેઠે ભાભીની હત્યા કરીને એવું નાટક રચ્યું કે પોલીસ પણ ગોથે ચડી!

રાજકોટ હત્યાનો ભેદ ઉકેલતા દ્રશ્યો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jun 17, 2026, 07:43 AM IST

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામમાં 23 વર્ષીય પરિણીતાના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં આત્મહત્યા માનવામાં આવતો કેસ હવે હત્યામાં ફેરવાયો છે. યુવતીનો મૃતદેહ કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો, પરંતુ રાજકોટ ગ્રામ્ય પોલીસની સઘન તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની હત્યા તેના જ કુટુંબીક જેઠે કરી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

મૃતક કાજલબેન યોગેશભાઈ સાપરા (ઉ.વ. 23)નો મૃતદેહ ગામના એક અવાવરુ મકાન નજીકથી મળી આવ્યો હતો. પરિવારજનોએ શરૂઆતથી જ આત્મહત્યાની થિયરી પર શંકા વ્યક્ત કરી હતી અને હત્યાની આશંકા દર્શાવી હતી. પરિવારની શંકા અને ઘટનાસ્થળેથી મળેલા કેટલાક સંજોગોને આધારે પોલીસે પણ કેસને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગુજરાતભરમાં TET મુદ્દે શિક્ષકોનું રણશિંગુ: 22 જિલ્લાઓમાં ધરણાં અને આવેદનપત્ર કાર્યક્રમનો પ્રારંભ; દેશવ્યાપી આંદોલનની ચેતવણી

કોલ ડિટેઇલ્સે ખોલ્યો સમગ્ર ભેદ

રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને એએસપી ડો. નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ અને જસદણ પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન મૃતકના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સ અને સંપર્કમાં રહેલા લોકોની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન શંકાની સોય મૃતકના કુટુંબીક જેઠ અશોક રણછોડ સાપરા તરફ વળી હતી. શરૂઆતમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા હતા અને ગોળગોળ જવાબો આપ્યા હતા. જોકે, સતત પૂછપરછ અને ટેક્નિકલ પુરાવાઓ સામે મૂકાતા આખરે તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.

લગ્ન બાદ બંધાયો હતો સંબંધ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાજલબેનના લગ્ન આશરે 16 મહિના પહેલાં જસદણના કોઠી ગામના યોગેશભાઈ સાપરા સાથે થયા હતા. લગ્ન બાદ કાજલબેન અને તેમના કુટુંબીક જેઠ અશોકભાઈ વચ્ચે નજીકના સંબંધો વિકસ્યા હતા. સમય જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અશોકભાઈએ કાજલબેન સાથેના અંગત પળોના વીડિયો પણ બનાવી લીધા હતા. બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તે કાજલબેન પર દબાણ કરતો હતો. જ્યારે પણ મળવા માટે બોલાવે ત્યારે આવવા માટે મજબૂર કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટના પૂર્વ મેયરના બાંધકામને લઈને વિવાદ: નોટિસ બાદ પણ કામ ચાલુ હોવાના આક્ષેપ

ઘટનાની રાત્રે શું બન્યું?

તપાસ અનુસાર ઘટનાની રાત્રે અશોકભાઈએ કાજલબેનને ફોન કરીને મળવા બોલાવ્યા હતા. તે સમયે કાજલબેન અને તેમના પતિ ઘરના ફળિયામાં સૂતા હતા. પતિ ઊંઘી ગયા બાદ કાજલબેન ઘરેથી નીકળી અશોકભાઈને મળવા પહોંચી હતી.

રાત્રે બંને વચ્ચે લાંબી મુલાકાત ચાલી હતી. દરમિયાન કોઈ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. બાદમાં કાજલબેન પોતાના ઘરે પરત જવા નીકળ્યા હતા, પરંતુ ઘરની નજીક પહોંચતાં પરિવારના સભ્યો જાગી ગયા હોવાનું જણાતા તેઓ ફરી અશોકભાઈ પાસે પાછા આવ્યા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે કાજલબેને અશોકભાઈને પોતાની સાથે લઈ જવાની વાત કરી હતી. જોકે અશોકભાઈએ તેનો ઇન્કાર કરતાં બંને વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો.

ગુસ્સામાં હત્યા, પછી રચ્યું આત્મહત્યાનું નાટક

પોલીસના જણાવ્યા મુજબ, તકરાર દરમિયાન અશોકભાઈએ ગુસ્સામાં આવી કાજલબેનનું મોઢું સાડી વડે દબાવી દીધું હતું. શ્વાસ રૂંધાઈ જતાં કાજલબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હત્યાની જાણ થતાં જ આરોપીએ પુરાવા છુપાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. તેણે મૃતદેહને લગભગ 50 મીટર દૂર આવેલા અવાવરુ મકાન સુધી ખેંચી લઈ જઈ કેળના ઝાડ સાથે લટકાવી દીધો હતો, જેથી સમગ્ર ઘટના આત્મહત્યા જેવી લાગે.

આટલું જ નહીં, શંકા દૂર કરવા માટે આરોપીએ કાજલબેનના મોબાઇલમાંથી તેમના પતિ અને નણંદને મેસેજ પણ મોકલ્યો હતો કે, "હું કરશન બાપાના ઘર પાસે છું, મને લઈ જાવ."

બાદમાં તેણે મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો અને કોઈને શંકા ન જાય તે માટે પોતાના ઘરે જઈને સૂઈ ગયો હતો.

રાજકોટના કારીગરની અનોખી પ્રતિભાને મળ્યું સન્માન: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 'શ્રીજી ટુલ્સ'ની લીધી મુલાકાત

બીજા દિવસે ગામલોકો સાથે ભળી ગયો, પરંતુ બચી શક્યો નહીં

સવારે જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે આરોપી પણ અન્ય ગામલોકોની જેમ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આત્મહત્યા કેમ કરી હશે તેવા સવાલો પૂછતો રહ્યો હતો. પરંતુ પોલીસની વૈજ્ઞાનિક તપાસ, મોબાઇલ ડેટા વિશ્લેષણ અને સતત પૂછપરછે આખરે સમગ્ર ભેદ ઉકેલી નાખ્યો હતો.

હાલ જસદણ પોલીસે આરોપી અશોક રણછોડ સાપરાની ધરપકડ કરી છે અને તેની સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગામમાં ચકચાર, અનેક સવાલો

આ સમગ્ર ઘટનાએ કોઠી ગામ સહિત સમગ્ર જસદણ પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે. એક તરફ પરિણીતાના રહસ્યમય મોતથી પરિવાર તૂટી પડ્યો છે તો બીજી તરફ વિશ્વાસના સંબંધમાંથી જન્મેલી આ ઘટનાએ સમગ્ર સમાજને ઝંઝોળી નાખ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now