Ronaldo Hopkins : ભાવનગરના યુવા બાસ્કેટબોલ ખેલાડી રોનાલ્ડો હોપકિન્સે માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં ભારતીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં યોજાયેલી U-18 સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં તેણે માલદીવ્સ સામે શાનદાર 14 પોઈન્ટ્સ મેળવીને ભારતને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ગૌરવપૂર્ણ ક્ષણની સાથે જ ગુજરાત માટે પણ વધુ એક મોટા સમાચાર આવ્યા છે કે આગામી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં 22 વર્ષ બાદ પ્રતિષ્ઠિત ફિબા (FIBA) વર્લ્ડ કપ ક્વોલિફાયર અને U-18 એશિયા કપ જેવી વૈશ્વિક બાસ્કેટબોલ સ્પર્ધાઓ યોજાવા જઈ રહી છે.
રમતની શરૂઆત અને શરૂઆતી સફર
રોનાલ્ડો હોપકિન્સે વર્ષ 2022માં વાયબીસી (YBC) ક્લબથી પોતાના બાસ્કેટબોલ કરિયરની શરૂઆત કરી હતી. દેશની જર્સી પહેરીને મેદાન પર રાષ્ટ્રગીત સાંભળવું એ તેના માટે એક સપનું સાકાર થવા સમાન હતું. વર્ષ 2023માં તેની પસંદગી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના ખાસ કેમ્પમાં થઈ હતી. આ કેમ્પ બાદ તેણે સ્ટેટ મીટમાં પોતાના હોમ ટાઉન ભાવનગરની ટીમને વિજેતા બનાવી હતી. ત્યારબાદ વર્ષ 2024માં પોન્ડિચેરી ખાતે યોજાયેલી નેશનલ્સ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમ તરફથી રમતા રોનાલ્ડોએ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ધમાકેદાર હેટ્રિક! મેસ્સીએ ફિફા વર્લ્ડ કપમાં હચમચાવી દીધો ઇતિહાસ: 16 ગોલ સાથે તોડી નાખ્યા અનેક રેકોર્ડ! હવે સર્વોચ્ચ ગોલ સ્કોરર્સની યાદીમાં ટોચે
સંઘર્ષ અને માતા-પિતાનો સહયોગ
શરૂઆતના દિવસોમાં રોનાલ્ડો ઊંચો હતો પરંતુ શારીરિક રીતે ખૂબ જ સામાન્ય દેખાતો હતો. જોકે વાયબીસી ક્લબ અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના યોગ્ય માર્ગદર્શન હેઠળ તેણે સખત મહેનત કરી અને તે ડિફેન્સ તેમજ એટેક બંને મોરચે એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવ્યો. રોનાલ્ડોના પરિવારમાં આર્થિક તંગી હોવા છતાં તેના માતા-પિતાએ ક્યારેય તેની રમતમાં અડચણ આવવા દીધી નહીં. તેના માતા-પિતાએ તેને હંમેશાં શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી અને રમત પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપી. વિશ્વવિખ્યાત બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પોતાના આદર્શ માનીને રોનાલ્ડો આજે સિનિયર ભારતીય ટીમ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. દીકરાની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિથી તેની માતા નાઝીમા એલેન હોપકિન્સ આજે અત્યંત ગર્વ અનુભવી રહ્યાં છે.
શું ગિલની આગેવાનીમાં ભારત આજે સિરીઝ પર કબજો જમાવશે?: આ ધુરંધર ફાસ્ટ બોલરનું થઈ શકે છે ડેબ્યૂ!
અમદાવાદમાં વૈશ્વિક સ્પર્ધાઓની યજમાની
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં રમતગમતનો આ ઉત્સાહ આગામી 2 અને 5 જુલાઈએ અમદાવાદમાં યોજાનારા ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલા સાથે એક નવી ઊંચાઈએ પહોંચશે. આ ઉપરાંત અગાઉ કતાર દેશમાં યોજાનારો U-18 એશિયા કપ પણ હવે 13થી 23 ઓગસ્ટ દરમિયાન અમદાવાદના આંગણે રમાશે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં એશિયા ખંડની 16 સર્વશ્રેષ્ઠ ટીમો ભાગ લેવા માટે આવી રહી છે. આ મેગા ટૂર્નામેન્ટ સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી સમયમાં ગુજરાત દેશમાં બાસ્કેટબોલ રમતનું સૌથી મોટું પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે.






