કચ્છમાં ફરી ધ્રૂજી ધરા: ભચાઉ નજીક 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ધરતીકંપ માટે અતિ સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લાની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. અઢી દાયકાથી સતત ભૂ-હલચલ અનુભવતા કચ્છમાં આજે વધુ એક ભૂકંપનો આંચકો રેક્ટર સ્કેલ પર નોંધાયો છે. પૂર્વ કચ્છમાં આવેલા ભચાઉ નજીક અનુભવાયેલા આ આંચકાની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ અને ફફડાટ ફેલાઈ ગયો હતો.
ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, બુધવારે બપોરે 12:39 કલાકે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું હતું અને જમીનની અંદર 21.1 કિલોમીટરની ઊંડાઈએ આ ભૂ-હલચલ થઈ હતી.
બહુમાળી ઇમારતો ધ્રૂજી, લોકોમાં ફેલાયો ભય
બપોરના સમયે અચાનક આવેલા આ આંચકાની વિશેષ અસર કેન્દ્રબિંદુની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી હતી. ભૂકંપના કારણે કાચા અને પાકા મકાનોની બારી-બારણાં ખખડવા લાગ્યા હતા. ડરના માર્યા લોકો પોતાના ઘર અને ઓફિસોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. આ આંચકાની અનુભૂતિ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં, પરંતુ ભુજ, અંજાર અને ગાંધીધામ જેવા મોટા શહેરોમાં પણ થઈ હતી. ખાસ કરીને શહેરોમાં આવેલી બહુમાળી ઇમારતોમાં રહેતા પરિવારોએ આ ધરતીકંપનો આંચકો સ્પષ્ટપણે અનુભવ્યો હતો.
વિનાશક ભૂકંપની યાદો થઈ તાજી
નોંધનીય છે કે, વર્ષ 2001 માં કચ્છમાં આવેલા વિનાશક ધરતીકંપને અઢી દાયકા (25 વર્ષ) જેટલો લાંબો સમય વીતી ચૂક્યો હોવા છતાં, અહીં સતત નાના-મોટા આંચકા આવતા રહે છે. વારંવાર થઈ રહેલી આ ભૂ-હલચલના કારણે કચ્છી પ્રજાના મનમાં એ જૂની વરવી અને ભયાનક યાદો ફરી એકવાર તાજી થઈ ગઈ છે. સદનસીબે આ આંચકાના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.






